<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

જુની અદાવતને લીધે ઉપલેટામાં નોનવેજના ધંધાર્થી રીયાઝ પર હીચકારો હુમલાઃ પાંસળીઓ ભાંગી ગઇ

રીયાઝ કેજીએન ચોકમાં હતો ત્‍યારે પહેલા અવેશ, અકરમે આવી ગાળો દીધી, પછી બીજા બે આવ્‍યા અને તૂટી પડયા : અવેશ, અકરમ, વસીમ ઉર્ફ બીડી અને અજાણ્‍યાએ છરી-પાઇપના ઘા ઝીંક્‍યાઃ જતાં જતાં ધમકી દીધી કે-ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખશું

રાજકોટ તા. ૧૧: ઉપલેટામાં જૂની અદાવતનો ખાર રાખી ચાર શખ્‍સોએ વેપારી પર હીચકારો હુમલો કરી છરી પાઇપના ઘા ઝીંકતા પાંસળીમાં બે ફ્રેકચર થઇ ગયા છે અને ફેફસામાં પણ ગંભીર ઇજા થઇ છે.  રાત્રિના સમયે થયેલા આ હુમલામાં વેપારીને  ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. જુની અદાવતનો ખાર રાખી આ હુમલો કરાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ફરિયાદી રિયાઝ ઉર્ફે લાલો ઓસમાણભાઈ સુરીયા (ઉ.વ. ૪૦) જેઓ ઉપલેટામાં નોનવેજની લારી ચલાવી વેપાર કરે છે, તેમણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. દસમી તારીખના રોજ રાત્રે આશરે ૧૨ વાગ્‍યા પછી રિયાઝભાઈ પંચહાટડી ચોક ખાતે કેજીએન પોઇન્‍ટ નામની દુકાને ઊભા હતા. તે સમયે આરોપીઓ અવેશ યુનુસભાઇ માવડિયા અને અકરમ કાદરભાઈ લુલણીયા મોટરસાયકલ પર આવીને ઊભા રહ્યા હતા. આ બંનેએ જૂના ઝઘડાનો ઉલ્લેખ કરીને રિયાઝભાઈને ગાળો આપી હતી. રિયાઝભાઈએ ગાળો આપવાની ના પાડતાં જ ધોરાજી દરવાજા બાજુથી અન્‍ય બે આરોપીઓ, વસિમ ઉર્ફે બીડી મકરાણી અને એક અજાણ્‍યો વ્‍યક્‍તિ, પણ મોટરસાયકલ પર ત્‍યાં આવી પહોંચ્‍યા હતા. આરોપી વસિમ ઉર્ફે બીડી મકરાણીએ જેકેટમાંથી છરી કાઢીને રિયાઝભાઈની છાતીના ભાગે બે-ત્રણ ઘા માર્યા હતા, તેમજ જમણા હાથના બાવડા પર પણ ઘા માર્યો હતો. જ્‍યારે અવેશ માવડિયાએ લોખંડના સળિયા વડે, અકરમ લુલાણીયાએ લોખંડના પાઇપ વડે, અને અજાણ્‍યા ઇસમે લાકડાના ધોકા વડે રિયાઝભાઈને આડેધડ માર માર્યો હતો. હુમલાને કારણે દેકારો મચી ગયો હતો અને લોકો ભેગા થઇ ગયા હતાં. આથીં તમામ આરોપીઓ હથિયારો અને વાહનો સાથે ફરાર થઈ ગયા હતા, અને જતા-જતા પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 હુમલામાં ઘવાયેલા રિયાઝભાઈને તાત્‍કાલિક ઉપલેટા સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં પ્રાથમિક સારવાર બાદ તેમને ક્રિષ્‍ના હોસ્‍પિટલ ખાતે રિફર કરવામાં આવ્‍યા. સીટી સ્‍કેનના રિપોર્ટમાં જાણવા મળ્‍યું કે રિયાઝભાઈને છાતીના પાંસળીના ભાગે બે ફ્રેક્‍ચર થયા છે અને ફેફસામાં પણ ઈજા પહોંચી છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે ફરિયાદીના નિવેદનના આધારે ચારેય આરોપીઓ વિરૂધ્‍ધ ભારતીય ન્‍યાય સંહિતા અને જી.પી. એક્‍ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી, આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. વધુ તપાસ પીએસઆઇ એસ. પી. ભટ્ટ ચલાવી રહ્યા છે.

(1:16 PM IST)