<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

દિલ્‍હી બોમ્‍બ વિસ્‍ફોટ બાદ સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં પોલીસ દ્વારા ચેકીંગ

જાહેર સ્‍થળો, હોટલો, ધાર્મિક જગ્‍યાઓ ઉપર તપાસનો ધમધમાટ

રાજકોટ તા.૧૧: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં દિલ્‍હીમાં થયેલ બોમ્‍બ વિસ્‍ફોટના પગલે આજે પોલીસ દ્વારા ચેકીંગનો ધમધમાટ હાથ ધરાયુ છે. જાહેર સ્‍થળો, હોટલો, ધાર્મિક જગ્‍યાઓ ઉપર તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ દિલ્‍હીમાં કાર બ્‍લાસ્‍ટ થયાનો બનાવ બન્‍યો છે. જેને પગલે દેશની સુરક્ષા એજન્‍સીઓ એલર્ટ મોડ ઉપર મુકાઈ છે. આ બ્‍લાસ્‍ટમાં મોતનો આંકડો ૧૩ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ સુરક્ષાને ધ્‍યાને લઇ દેશના અનેક મોટા શહેરોના પણ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત પોલીસે પણ એલર્ટ જારી કર્યું છે અને રાજ્‍ય પોલીસ વડા દ્વારા સઘન ચેકીંગના આદેશ અપાયા છે.

ત્‍યારે રાત્રીના સમયે મોરબી જિલ્લામાં પણ પોલીસ દ્વારા જાહેર જગ્‍યાઓ ઉપર ચેકીંગ શરૂ કરવામાં આવ્‍યું હતુ. એલસીબી અને એસઓજીની ટીમો પણ ચેકીંગમાં જોડાઈ હતી. હોટેલોમાં પણ ચેકીંગ હાથ ધરાયુ હતુ. સાથે બસ સ્‍ટેન્‍ડ, રેલવે સ્‍ટેશન સહિતના વિસ્‍તારોના તેમજ હાઇવે ઉપર ચેકીંગ કરવામાં આવ્‍યુ હતુ.

વાંકાનેર

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ દિલ્‍હીમાં કારમાં શંકાસ્‍પદ બ્‍લાસ્‍ટને પગલે ગુજરાત પોલીસ પણ એલર્ટ મોડમાં આવી છે, જેના પગલે વાંકાનેર પંથકમાં પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે જાહેર માર્ગો પર સઘન વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્‍યું છે. આ સાથે જ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હોટલોમાં પણ ચેકીંગ શરૂ કરાયું છે તેમજ જાહેર સ્‍થળ બસ સ્‍ટેન્‍ડ, રેલવે સ્‍ટેશન, હાઇવે સહિતના વિસ્‍તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્‍યું છે.

(11:37 AM IST)