<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

વિવાદોથી ઘેરાયેલા જુનાગઢના મહાદેવભારતી બાપુ ફરી લાપત્તા

તમે મારી ચિંતા ન કરો, મારે હવે અહિં નથી રહેવું, હું કોઇ પણ જગ્‍યાએ જઇશે, મારે ભોળાનું ભજન કરવું છે, મારા ઘણા સેવકો છે : થોડા દિવસ પહેલા ગૂમ થયા બાદ ૬ દિવસે મળેલા ભારતી બાપુ બે દિવસ પરિવાર સાથે રહયા બાદ આજે વહેલી સવારથી કયાંક ચાલ્‍યા જતા શોધખોળ

 

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.,૧૧:  જુનાગઢના વિવાદોથી ઘેરાયેલા મહાદેવભારતી બાપુનો ફરી કોઇ પત્તો ન હોવાના અહેવાલ મળતા ખળભળાટ મચી ગયો છે. તેમને આશ્રમમાંથી મુકત કરાયા પછી બે દિવસ પરિવાર સાથે રોકાયા બાદ આજે વહેલી સવારથી તેઓ કયાંક ચાલ્‍યા ગયા હોવાનું જાણવા મળતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જુનાગઢના ભારતી આશ્રમના પુર્વ લઘુમહંત મહાદેવભારતી બાપુ ૧૦ દિવસમાં બીજી વખત ગૂમ થઇ ગયા છે. ભારતી આશ્રમમાંથી આ અગાઉ ર નવેમ્‍બરે ગૂમ થયા બાદ મહાદેવભારતી બાપુ જુનાગઢના જંગલ વિસ્‍તારમાં ઇંટવા ઘોડી પાસેથી અર્ધબેભાન અવસ્‍થામાં મળી આવ્‍યા હતા. ત્‍યાર બાદ તેઓને સારવાર માટે જુનાગઢમાં ખસેડવામાં આવ્‍યા હતા. ત્‍યાર બાદ ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ દ્વારા મહાદેવભારતીને ભારતી આશ્રમના તમામ હોદાઓ ઉપરથી દૂર કરી દેવામાં આવ્‍યા હતા અને આશ્રમ સાથે કોઇ લેવા-દેવા ન હોવાનું જણાવ્‍યું હતું.

આ ઘટના બાદ તેઓને હોસ્‍પીટલમાંથી રજા આપ્‍યા બાદ જસદણ તાલુકાના સાણથલી ગામે તેમના ભાઇના ઘરે રહેવા ગયા હતા.  જયાં તેમના ભાઇ જીતુભાઇ અને માતા-પિતા અને બહેનોએ જે કંઇ થયું તે ભુલી જવા  સમજાવ્‍યા હતા. તેમ છતાં પણ તેઓ ઘરેથી  લાપત્તા થયા છે.

મહાદેવભારતી બાપુને સમજાવતી વખતે તેમના માતા અને બહેનો ખુબ જ રડયા હતા અને બધુ ભુલી જવાનું અને સુખેથી જીંદગી જીવવા જણાવ્‍યું હતું. તેમ છતાં તેઓ તમે મારી ચિંતા ન કરો, મારે હવે અહિં નથી રહેવું, હું કોઇ પણ જગ્‍યાએ જઇશે, મારે ભોળાનું ભજન કરવું છે, મારા ઘણા સેવકો છે.

મહાદેવભારતી બાપુ સાણથલી આવ્‍યા બાદ તેમના અસંખ્‍ય સેવકોએ ફોન ઉપર સંપર્ક કરીને બાપુ તમે કોઇ ચિંતા ન કરો, તમે નાના મોટા જે આશ્રમ બનાવવાનું કહેશો તે અમે બનાવી આપશું. તમે ભજન-ભકિત કરો.

ત્‍યાર બાદ જસદણના સાણથલીમાં પરિવારજનો બધા સુતા હતા ત્‍યારે મહાદેવભારતી ઘરેથી ચાલ્‍યા ગયા છે. તેઓ કયાં ગયા છે અને કોને ત્‍યાં ગયા છે તેની કોઇ જાણકારી પરિવારજનોને નથી. (૪.૧૭)

(2:46 PM IST)