<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

બોટાદ સ્‍થા. જૈન સમાજના સાધુ-સાધ્‍વીજીઓ માટે મોબાઇલ, માઇક-પંખા-એસીનો ઉપયોગ નિષેધઃ સંપ્રદાયનો નિર્ણય

દિક્ષા સમયે ઉછામણીની ર૦ ટકા રકમ બોટાદ સંઘને વૈયાવચ્‍ચ લક્ષે મોકલવાની રહેશેઃ બેઠકમાં નિયમાવલી જાહેર

રાજકોટ, તા. ૧૧: બોટાદ સંપ્રદાયના પૂ.સાધુ - સાધ્‍વીજીઓ નિર્મળ એવમ્‌ શુધ્‍ધ ચારિત્રનુ પાલન કરી શકે તેવા શુભ આશયથી બોટાદ સંપ્રદાય - સંઘની મળેલ બેઠકમાં અમુક નિયમાવલી જાહેર કરવામાં આવેલ છે.

જેમાં બોટાદ સંપ્રદાયના પૂ.સાધુ- સાધ્‍વીજીઓ ઈલેક્‍ટ્રીક કે ઈલેક્‍ટ્રોનિક સાધનો જેવા કે મોબાઇલ,માઈક,પંખા,એ સી વગેરેનો ઉપયોગ કરી શકશે નહીં. બોટાદ સંપ્રદાયમાં દીક્ષા થાય તે અવસરે ઉછામણીની રકમના ૨૦ ્રુ રકમ આયોજક સંઘે બોટાદ સંઘને વૈયાવચ્‍ચ લક્ષે મોકલી આપવાની રહેશે. બોટાદ સંપ્રદાયના પૂ.સાધુ તથા પૂ.સાધ્‍વીજીઓ એક જ સ્‍થાનક - ઉપાશ્રયમાં એક સાથે સ્‍થિરતા કરી શકશે નહીં.

બોટાદ સંપ્રદાય દ્વારા જે સમાચારી - નિયમો ઉદ્દઘોષિત કરવામાં આવેલ છે તેની ચોમેર પ્રશંસા થઈ રહી છે. જૈન આગમોમાં શ્રાવક - શ્રાવિકાઓને અમ્‍મા પિયા એટલેકે પૂ.સાધુ - સાધ્‍વીજીઓના માતા - પિતા તરીકે સંબોધવામાં આવેલ છે. અમ્‍મા - પિયા તરીકે આપણા સૌનું કર્તવ્‍ય તેમજ નૈતિક ફરજ રહેલી છે કે તેઓએ અત્તહિયઠાએ આત્‍મ લક્ષે સંયમ અંગીકાર કરેલો છે તેઓના સંયમ જીવનમાં નિર્દોષ રીતે સહાયક બનવું.

બોટાદ સંપ્રદાયના વિચક્ષણ, દીર્ઘ દ્‌નષ્ટિવંત, દુરંદેશી અગ્રણીઓએ ચતુર્વિધ સંઘને વિનમ્ર ભાવે વિનંતી કરેલ છે કે પૂ.સાધુ - સાધ્‍વીજીઓ જિન શાસનની મહા મૂલી - મોંઘેરી મૂડી સમાન છે. પૂ.સાધુ - સાધ્‍વીજીઓ જિનાજ્ઞા મુજબ  ગરીમાયુકત જીવન વ્‍યતિત કરે, સંઘ, સંપ્રદાય, જિન શાસનને ગૌરવાન્‍વિત કરે તેવી શુભ ભાવના. ઉપકારી પૂ.ગુરુ ભગવંતો - પૂ.મહાસતિજીઓની સુરક્ષામાં સહાયક બનજો. અત્રે યાદ રહે કે જિન શાસનમાં બહુમતી મુજબ નહીં,જિનમતી મુજબ ચાલવાનું હોય છે.

મોબાઇલ, મોટર, મની, માઈક, એસી, ટીવી, યુટયુબ વગેરે સાધનો જે ગળહસ્‍થીઓ ઉપયોગ કરતાં હોય તે વસ્‍તુઓનો જો ત્‍યાગીઓ પણ ઉપભોગ કરે તો લોકો ચર્ચા કરશે જ કે સંસારી અને સાધુમાં ફેર શું ? સાધુનું તો જીવન જ સંદેશ બની જતો હોય છે.

અનંત તીર્થંકર પરમાત્‍માઓએ,આચાર્ય ભગવંતોએ પોતાના પ્રાણના ભોગે પણ આ શાસનની સુરક્ષા કરી છે.મહાપુરુષોનો પુરુષાર્થ એળે ન જાય તે લક્ષે તથા આ જિન શાસનને એકવીસ હજાર વર્ષ સુધી જયવંતુ, વિજયવંતુ રાખવા માટે અને કેવળી પ્રરુપિત ધર્મની વિરાસતની,જિન શાસનની પુન : ગરીમા એવમ્‌ ગૌરવ વધારવા આપણે સૌએ સહિયારો સમ્‍યક્‌ પુરુષાર્થ કરવા ચતુર્વિધ  શ્રી સંઘને નમ્ર અનુરોધ છે

(2:50 PM IST)