<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

સાચી વીરતા તોહ અને સહાનુભૂતિથી પ્રગટે છેઃ જીવન જીવવાનો સંદેશ આપતી ગુજરાતી ફિલ્‍મ ‘જીવ' ૨૧મીએ સિનેમાઘરોમાં રિલીઝ ..

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૨: ગુજરાતી ફિલ્‍મનો નવો યુગ પૂરબહારમાં શરૂ થયો છે અને નવા નવા વિષયો સાથેની ફિલ્‍મો રજૂ થઈ રહી છે. તો, જરા હટકે એવા નવા વિષયો સાથેની નવી નવી ફિલ્‍મોને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતી ફિલ્‍મના આ નવા દોરમાં એક નવી ફિલ્‍મ ૨૧ મી નવેમ્‍બરથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. એ ફિલ્‍મ છે ‘જીવ'. હૃદયસ્‍પર્શી કથા વસ્‍તુ ધરાવતી આ ફિલ્‍મનું પોસ્‍ટર રિલીઝ થઈ ચૂકયું છે. જેમાં વર્તમાન ગુજરાતી ફિલ્‍મ જગતના જાણીતા કલાકારો ધર્મેન્‍દ્ર ગોહિલ, સની પંચોલી, શ્રદ્ધા ડાંગરનો જાનદાર હૃદયસ્‍પર્શી અભિનય છે. આ ફિલ્‍મના ડાયરેક્‍ટ જીગર ઇન્‍દુબાલા કાપડી છે જ્‍યારે નિર્માતા નિરવ મહેતા અને વિકી મહેતા છે. ‘જીવ' આપણને જીવન જીવવાનો સંદેશ આપતી એક સુંદર પ્રેરક બાયોપિક ફિલ્‍મ છે. જેમાં કચ્‍છના વેલજીભાઈ ઈન્‍દરજી મહેતાની વાત છે. એક વ્‍યક્‍તિ ધારે તો શું કરી શકે? સનાતન ધર્મ કહો કે જૈન ધર્મ કહો કે પછી માનવતાનો પ્રેરક સંદેશ ‘સાચી વીરતા તોહ અને સહાનુભૂતિથી પ્રગટે છે' એ સંદેશ આ ફિલ્‍મનું હાર્દ છે.

વેલજીભાઈ મહેતાના જીવનની સત્‍ય ઘટના ઉપર આધારિત બનાવેલી આ ફિલ્‍મનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય લોકોના જીવનમાં દરેક પશુ પંખી પ્રત્‍યે કરુણા અને દયાનો ભાવ પ્રજ્‍વલિત કરવાનો છે.

વર્ષોથી કચ્‍છમાં પત્રકારત્‍વ ક્ષેત્રે કાર્યરત હોઈ મને (વિનોદ ગાલાને) વેલજીભાઈના પરિચયમાં આવવાનો અવસર અનેકવાર મળ્‍યો છે. ત્‍યારે મારા હૃદયની અનુભૂતિ કહું તો... તમે જેને કરુણા કહો છો..તેને હું વેલજીભાઈ તરીકે જાણું છું! મળશો ને એમને ? ટૂંક સમયમાં ૨૧ નવેમ્‍બર થી સિનેમાઘરોમાં જઈને આ અદભૂત અને પ્રેરણાદાયી સત્‍ય ઘટનાનો ભાગ બનવા માટે તૈયાર થઈ જજો.

(11:16 AM IST)