<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

કચ્છના વાંઢીયા ગામે ખેતરમાં બળજબરીપૂર્વક વીજ ટાવર બાબતે અદાણી કંપની સામે ખેડૂતોનો આક્રોશ: પોલીસ દ્વારા ૩૫ ની અટકાયત

ભારતીય કિસાન સંઘ મેદાને આજે વાંઢીયા ગામે ખેડૂતોની મહાસભા, ૭૫૦ કેવી ની લાઈન કચ્છ થી સૌરાષ્ટ્રના હળવદ તરફ આવશે, કામગીરીમુદ્દે કંપનીનું કોઈ સત્તાવાર નિવેદન નહીં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : ગૌચર જમીન, માછીમારી માટેનો ક્રીક અને દરિયાઈ વિસ્તાર તેમ જ ચેરીયા અને ખેતીમાં પ્રદૂષણ બાબતે મુન્દ્રા તાલુકામાં સતત વિવાદમાં રહી ચુકેલ અદાણી ગ્રુપ કચ્છમાં ફરી એક વખત વિવાદમાં છે. 

            આ વખતે ભચાઉ તાલુકાના ખેડૂતો અને તેમના પરિવારની મહિલાઓ સામે અદાણી કંપનીના ઈશારે તંત્ર તેમ જ પોલીસ દ્વારા કરાતી કામગીરીના મુદ્દે ભારતીય કિસાન સંઘ ખેડૂતોના હિત જાળવવા મેદાનમાં આવ્યું છે. ગઈકાલે ખેડૂતોની જમીનમાં એકાએક જેસીબી લઈ વીજ ટાવરની કામગીરી માટે પહોંચેલ અદાણી કંપનીની કામગીરીનો ખેડૂતોએ સહપરિવાર વિરોધ કર્યો હતો. 

          પોતાની જમીન અને પાક બચાવવા મથતા ખેડૂતો સામે પોલીસને મેદાનમાં ઉતારી ખેડૂત પુરુષો અને મહિલાઓની અટકાયત કરાઈ હતી. અદાણી કંપની અને સરકાર તેમ જ તંત્ર સામે ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો. ૩૫ જણાની અટકાયત કરાયા બાદ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા ખેડૂતોના આક્રોશભર્યા દ્રશ્યો સાથેના વીડિયો ભારે ચર્ચામાં છે.

             ખેડૂતો પોતાની ખેતી લાયક જમીન માટે બજાર કિંમતનું વળતર માંગી રહ્યા છે. રોજગારી આપવાને બદલે ખેડૂતોની આવક છીનવાઈ રહી છે ત્યારે આ કામગીરીનો ભોગ બનનાર ૮૫ ખેડૂત પરિવારો ચિંતામાં છે. જોકે, કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ ખેડૂતોના હિત માટે તેમની પડખે ઉભો છે આજે વાંઢીયા ગામે ખેડૂતોની મહાસભા છે.               જોકે, અદાણી કંપની દ્વારા નાના મોટા કાર્યો તેમ જ કંપનીની કામગીરીની પ્રેસનોટ નિયમિત રીલીઝ કરાય છે પરંતુ ખેડૂતોના અદાણી કંપની સામે દમનના અને દાદાગીરીના આક્ષેપો અંગે અદાણી જૂથે સત્તાવાર કોઈ પ્રેસનોટ કે પ્રતિક્રિયા નથી આપી.

(9:27 AM IST)