News of Thursday, 13th November 2025
દિલ્હી વિસ્ફોટના પગલે ગીર સોમનાથમાં કોમ્બિંગ : મસ્જિદમાંથી ઝડપાયેલા ત્રણેય શંકાસ્પદ કાશ્મીરી યુવાનોની સઘન પૂછપરછ ચાલુ
યુવાનો સૌરાષ્ટ્રમાં ફાળો ઉઘરાવવા આવ્યાનું જ રટણ કરે છે - SP જયદીપસિંહ જાડેજાનો અકિલા સાથે વાતચીતમાં ખુલાસો : નવું બંદરની મસ્જિદમાંથી ઝડપાયેલા યુવાનોના કેસમાં અંતે જાહેરનામા ભંગ બદલ મસ્જિદ સંચાલક સામે નોંધાયો ગુનો

રાજકોટ : દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટની ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ શંકાસ્પદ સ્થળોની ચકાસણી દરમિયાન ત્રણ કાશ્મીરી યુવાનોને ઝડપી લેવામાં આવ્યા છે, જેમની એસપી જયદીપસિંહ જાડેજાની ટીમ દ્વારા અવિરત સઘન પૂછપરછ ચાલુ છે.
શંકાસ્પદ યુવાનોનું રટણ
'અકિલા' સાથેની વાતચીતમાં ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પકડાયેલા ત્રણેય યુવાનો પોતે કાશ્મીરના પંજામાંથી સૌરાષ્ટ્રમાં ફાળો ઉઘરાવવા આવ્યા હોવાનું રટણ કરી રહ્યા છે. જોકે, દિલ્હી વિસ્ફોટના પગલે સુરક્ષા એજન્સીઓ આ બાબતને ગંભીરતાથી લઈને તમામ પાસાઓની ચકાસણી કરી રહી છે.
મસ્જિદ સંચાલક સામે ગુનો દાખલ
પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે, નવું બંદરની જે મસ્જિદમાંથી આ ત્રણેય કાશ્મીરી યુવાનો ઝડપાયા છે, તે મસ્જિદના સંચાલક સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
* યુવાનોની તપાસના અંતે જાહેરનામા ભંગ બદલ મસ્જિદ સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એસપી જયદીપસિંહ જાડેજાની ટીમ દ્વારા ત્રણેય યુવાનોના બેકગ્રાઉન્ડ અને પ્રવૃત્તિઓ અંગેની વધુ તપાસ હાલમાં ચાલી રહી છે, જેથી તેમના સૌરાષ્ટ્રમાં આવવાના સાચા ઇરાદાઓ અને દિલ્હી બ્લાસ્ટ સાથેના સંભવિત જોડાણને સ્પષ્ટ કરી શકાય.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
