<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

૨૧મી નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ મોરબીમાં : શનાળા ગામે નવનિર્મિત કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજાશે.

મોરબી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી ૨૧મી નવેમ્બરે મોરબીની મુલાકાત લેશે. તેઓ સનાળા ગામ પાસે નવનિર્મિત કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજાશે 

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતભરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ કમલમ કાર્યાલયો બનાવવામાં આવ્યા છે. મોરબી નજીક સનાળા ગામ ખાતે તૈયાર થયેલું આ કાર્યાલય પણ આ જ શ્રેણીનો એક ભાગ છે.

અમિતભાઈ  શાહની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહને ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેના ભાગરૂપે, શનિવારે બપોરે મોરબીના રવાપર ગામ પાસે આવેલા ઉમા હોલ ખાતે જિલ્લા ભાજપ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક દરમિયાન, બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના સંબોધનને ભાજપ પરિવારના સભ્યોએ હાજર રહીને સાંભળ્યું હતું. આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે અને ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:26 PM IST)