News of Saturday, 15th November 2025
દાઠાના સોની વેપારી પાસે GST અધિકારી બનીને
આવેલ મહિલા સહિતના ઈસમોએ ૫૧ લાખની માગણી કરી : ૧૧ લાખ આપવાના નક્કી કર્યા બાદ વેપારીને શંકા જતા પોલીસને સાથે રાખી તોડબાજ ને રંગેહાથ ઝડપી લીધા

ભાવનગર, તા.૧૫: તળાજાના દાઠા ગામે સોની વેપારીને ત્યાં ચાંદીનું છત્તર ખરીદી કરી, છત્તરની કિંમત ઓન લાઈન વેપારીને ચૂકવ્યા બાદ GST વાળું બિલની માગણી કરી,વેપારી એ થોડી વાર ખમો તેમ કહેતા છત્તર ખરીદવા આવેલ મહિલા એ પોતે અને પોતાની સાથે રહેલ ઈસમ GST અધિકારી હોવાનું કહી દુકાનને સિલ મારી દઈને બધાજને જેલમાં ફિટકરી દેવાની ઘરમાં જઇ ધમકી આપ્યા બાદ જો પતાવટ કરવી હોય તો ૫૧લાખ રૂપિયાની માગણી કર્યા બાદ ૧૧ લાખ રૂપિયામા પતાવટ કરી હતી. એ રકમ ભગુડા રોડ પર આવેલ હરિહર હોટલે આવીને આપી જવાનું મહિલા એ કહેલ.
એ સમયે વેપારીને શંકાજતા તેઓએ દાઠા પોલીસની મદદ લીધી હતી. વેપારી અને પોલીસ બંને હરિહર હોટલે રૂપિયા લઇ પહોંચીને તોડબાજ મહિલા સહિત ત્રણને રંગે હાથે ઝડપી લીધા હતા. વેપારીએ મહિલા સહિત ત્રણેયની વિરુદ્ધમાં દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
દાઠા ગામે મોમાઈ જવેલર્સ નામે સોના ચાંદીનો વેપાર કરતા મેહુલભાઈ ચીમનભાઈ સાગર ઉ.વ.૩૫ એ એક મહિલા કોમલબેન ત્રિવેદી, હિરેન ચૌહાણ, આર્ટિકા કારનો ચાલક દિનેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીનો આરોપ છે કે મોબાઈલ પર ફોન આવેલ. જેમાં ટ્રુ કોલરમા નામ કોમલ ત્રિવેદી બતાવેલ. આ મહિલા એ ફોનમાં પોતાને ચાંદીનું છત્તર લેવું છે તેમ કહેતા વેપારી એ પોતાની દુકાન અને ઘર એકજ હોય દુકાન ખોલીને છત્તરનું વેચાણ કરેલ. જેની કિંમત મહિલા એ રૂ.૧૪૫૦/ ઓન લાઈન ચૂકવીને GST વાળુ બિલ માગેલ. દુકાનદાર એ દુકાન ખોલીજ છે થોડી વાર ખમો આપું તેમ કહેતા મહિલા એ પોતે GST અધિકારી હોવાની અને તેની સાથેના હિરેન ચૌહાણ અધિકારી હોવાની ઓળખ આપી હતી. કાર્ડ માંગતા મહિલા એ દૂર થી કાર્ડ દેખાડેલ. દુકાનદારને ધમકી આપવા લાગેલ કે તમારી દુકાનને સિલ મારી દઇશું. આથી દુકાનદાર ઘર બાજુમાંજ હોય ત્યાં લઇ ગયેલ. ત્યાં આ મહિલા એ બધાને જેલમાં પુરી દઈશું. એવો કેસ બનાવીશું કે આખી ઝીંદગી નહિ છુટી શકો. જૉ તેમ ન કરવું હોય તો રૂ.૫૧ લાખ આપોની માગણી કરી હતી. બાદ ૨૧ લાખ અને બાદ ૧૧ લાખમા પતાવટ થઈ હતી.
મહિલા એ જણાવેલ કે રૂપિયાની વ્યવસ્થા કરી રાખો ત્યાં અમે ભગુડા દર્શન કરી આવીએ. બાદ વેપારી પર ફોન આવેલ કે ભગુડા નજીક હરિહર હોટલ છે ત્યાં આવી જાવ. એ સમયે ફરિયાદી મેહુલ સાગરને શંકા જતા તેઓએ દાઠા પોલીસ મથકે આવી પોલીસ કર્મી માયાભાઈ અને દિગુભાને સઘળી હકીકતથી વાકેફ કર્યા હતા.
પોલીસ જવાનો અને ફરિયાદી બંને હરિહર હોટલ પર પહોંચ્યા હતા જ્યાં આરોપીઓ હાજર હતા.ત્યાં આરોપી કોમલબેન એ રૂપિયા માગતા પોલીસકર્મીઓ દ્વારા GST અધિકારી હોવાનું કાર્ડ માગતા કાર્ડ ન આપતા પોલીસ મથકે આર્ટિક કાર નં.જીજે-૦૪ડી.એન.-૯૧૧૭ સાથે ત્રણેય આરોપીને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આરોપી ઓ GST ના અધિકારીની ખોટી ઓળખાણ આપતા અને બળજબરી પૂર્વક વેપારી પાસેથી પૈસા પડાવવા માગતા અને ઠગાઈ કરવાં માગતા હોય વેપારી એ ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસની કલમ ૩૦૮(૬), ૩૧૮(૨), ૩૧૯(૨), ૨૦૪,૫૪ મુજબ કાર્યવાહી હાથ ધરેલ છે.
શિહોર સહિત કયાં કયાં તોડ કર્યાની તપાસ થશે
દાઠા પોલીસના હાથે રંગેહાથ ઝડપાયેલા આરોપીઓ બાબતે ચર્ચા વહેતી થઈ હતી, પોલીસ પાસે પણ વિગતો આવી હતી કે આ ટોળકી એ શિહોર ખાતે વાસણના વેપારીઓ સાથે આજ મોડ્સ ઓપરેન્ડી વાપરીને લાખ્ખો રૂપિયાનો તોડ કર્યો હતો. આ વાતના પગલે આ ટોળકીમા કોણ કોણ સામેલ છે. અને કયાંથી કયાંથી તોડ કર્યા છે તે બાબતે પોલીસ તપાસ હાથ ધરશે.
અમોને એવા ધમકાવ્યા કે છાતીમા દુખવા લાગ્યું
ફરિયાદી મેહુલ સાગર એ આપવીતી જણાવી હતી કે અમોને GST ના અધિકારીની ઓળખ આપી ઘરમાં આવીને અમારા ઘરમાં મમ્મી, ભાભુ, બહેન સહિતની મહિલાઓ અને ભાઈ હતા સૌને ફિટ કરી દેવાની અને સિલ મારી દેવાનું કહી એવા ધમકાવ્યા કે અમારા પરિવારના સભ્યોને થોડીવાર તો છાતીમાં કૈક થવા માંડ્યું હતું.
આટલા છે પુરાવાઓ
ગુન્હેગાર ગમે તેટલો શાતીર હોય તે ગુન્હો આચરેને પાપનો ઘડો ભરાય એટ્લે તેમની વિરુદ્ધ મજબૂત પુરાવાઓ પણ છોડે છે. વેપારી પાસે સૌથી મજબૂત પુરાવો છે આરોપી મહિલા એ ફોન કર્યો. બાદ રૂપિયા લઈને આવવા માટે વ્હોટશએપ કોલ કરેલ છે. કાર લઈને ગામમાં આવ્યા તેના સીસીટીવી ફૂટેજ છે. પોલીસે રંગે હાથે ઝડપી લીધા ઉપરાંત ફરિયાદીનો પરિવાર પણ ઓળખ પરેડ આરોપીની કરવામાં આવે તો ઓળખી કાઢે તેમ છે. વેપારી મેહુલભાઈ એ દાઠા પોલીસની મહેનત, સજાગતાના કારણે રંગેહાથ ઝડપી લીધા હોય પોલીસની કામગીરીને બિરદાવી હતી.
કલમોનો અર્થ અને જોગવાઈ આ મુજબ છે
આરોપી કોમલ ત્રિવેદી એ રાજકીય પાર્ટીના કાર્યક્રમમા જોવા મળતી. જ્યારે હિરેન ચૌહાણ પત્રકાર છે. જે ભાવનગરનો રહેવાસી છે. આ લોકો પર જે આરોપ અને કલમ લગાવાય છે તેમાં કોઈપણ વ્યક્તિને સંપત્તિ અથવા તો મૂલ્યવાન વસ્તુ માટે ડરાવી, ધમકાવી, દબાણ કરવું, કોઈ વ્યક્તિને નુકશાન કરવા માટે છેતરવા અને સરકારી કર્મચારી ન હોવા છતાંય ખોટી ઓળખ આપવામાં આવે. તે આરોપ સાબિત થાય તો અલગ અલગ કલમોની જોગવાઈ મુજબ ૧૦,૫ અને ૩ વર્ષ સુધીની સજા અને દંડ બંને થઈ શકે છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
