<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

સિંહોનું 'મોટા આગરીયા ઓપરેશન': શિકારની શોધમાં ૬ સિંહોનું ટોળું ગામમાં ઘૂસ્યું, શેરીઓમાં દોડધામ

રાત્રિના સમયે રાજુલાના ગામને સિંહોએ બાનમાં લીધું; વાછરડી સહિત બે પશુઓનો શિકાર કર્યો, હાઈવે પર વાહનવ્યવહાર થંભી ગયો, ગામલોકોમાં ભયનો માહોલ

અમરેલી: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે સિંહોની લટાર એક સામાન્ય ઘટના બની ગઈ છે, પરંતુ રાજુલાના મોટા આગરીયા ગામમાં ગત રાત્રે સર્જાયેલા દ્રશ્યો ભયજનક હતા. શિકારની શોધમાં ૬ સિંહોનું એક ટોળું મોટા આગરીયા ગામમાં ઘૂસી આવ્યું હતું, જેને કારણે ગામની શેરીઓમાં રેઢિયાળ પશુઓ અને શ્વાનોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સિંહોનું આ ટોળું શેરીએ-શેરીએ ફરીને પશુઓનો પીછો કરી રહ્યું હતું. આ દહેશતભર્યા માહોલ વચ્ચે સિંહોએ તરાપ મારીને એક વાછરડી સહિત બે પશુઓનો શિકાર કર્યો હતો, જે સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ છે. ગામને બાનમાં લેનારું સિંહોનું આ ટોળું બાદમાં રાજુલા-સાવરકુંડલા હાઈવે સુધી પહોંચી ગયું હતું.
હાઈવે પર સિંહોના ટોળાને જોઈને વાહનચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા અને ભયના કારણે તેમણે પોતાના વાહનો થંભાવી દેવા પડ્યા હતા. સિંહોની આ લટારને કારણે માત્ર મોટા આગરીયા ગામમાં જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિક લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ છવાઈ ગયો છે.
વન વિભાગે આ મામલે સિંહોને ટ્રેક કરવાની અને ગામલોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

(12:13 PM IST)