<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

જેતપુરના બોરડી સમઢિયાળા પાસે કેનાલનો બ્રીજ સમયસર નહીં બને તો ખેડૂતોની હાલત કફોડી બનશે

માવઠા થી પાક ફેલ થયો હવે રવિ પાક માટે ગ્રહણઃ ખેડૂતો ઘેરી ચિંતામાં મુકાય ગયા

(કેતન ઓઝા દ્વારા) કમોષ્‍મી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવી લેતા શિયાળું પાક પર આશા રાખી ભાદર કેનાલની પિયત વિસ્‍તારમાં આવતા જગતના તાતે શિયાળુ પાકનું વાવેતર કરી નાખ્‍યું છે ત્‍યાં જેતપુર-બગસરા રોડના નિર્માણ કાર્યમાં વચ્‍ચે આવતો ભાદર કેનાલ પરનો પુલ તોડી નવો બનાવવા માટે કેનાલમાં માટીનું પુરાણ કરી ડાયવર્જન કઢાતા ખેડૂતો ફરી ચિતામાં ઘેરાય ગયા કેમ કે સરકારી કામ ક્‍યારેય નિયત સમયમાં પૂર્ણ નથી થતા તો અહીં પણ એવું જ થશે તો શિયાળુ પાકમાંથી પણ હાથ ધોવા પડશે.

ખેડૂતોને કમોષ્‍મી વરસાદથી તૈયાર પાક નજર સામે બગડતા જોયો તેમાં કેટલાય ખેડૂતો કરજો કરી વાવેતર કર્યું હોવાથી હવે કરજો કેમ ભરશું તેવી ચિતા ઘેરી બની છે.  જ્‍યારે અન્‍ય ખેડૂતો નુક્‍શાનીનો આ કડવો ઘૂંટ ગળે ઉતારી શિયાળુ પાક પર આશા રાખી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રમાં બે જિલ્‍લાના ૪૬ ગામની પિયતનો સૌથી મોટો ૧૭૧૦૦ હેકટર વિસ્‍તાર ધરાવતી ૭૨ કિમી લંબાઈની ભાદર કેનાલના લાભકર્તા ખેડૂતોમાના મોટા ભાગના ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે. અને હવે પિયત માટે ભાદર કેનાલ છોડવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અહી ખરા સમયે એટલે કે પાકને પિયતના સમયે જ મોટો અવરોધ ઉભો થયો છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેતપુર-બગસરા રોડના નવીનીકરણનું કામ છેલ્‍લા એક વર્ષથી કરવામાં આવી રહ્યું છે. જેમાં રોડ વચ્‍ચે આવતા પુલ પણ ફરીથી બનાવવામાં આવી રહ્યા છે. જેમાં બોરડી સમઢીયાળા ગામ પાસે ભાદર કેનાલ આ રોડ ક્રોસ કરી પસાર થાય છે અને કેનાલ પર પણ પુલ આવેલ હોવાથી તે પુલ ગતરોજ તોડી તેને ફરીથી બનાવવાની કામગીરી શરૂ થઈ. અને પુલ તોડતા તેનો ટ્રાફિક પુલની બાજુમાં ભાદર કેનાલમાં માટીનું પુરાણ કરી ડાયવર્જન આપવામાં આવ્‍યો છે. કેનાલમાં માટીનું પુરાણ કરી ડાયવર્જન આપ્‍યો તેથી મોટી સમસ્‍યા ઉપજી છે. કેમકે અત્‍યારે શિયાળુ પાકને પિયતનો સમય છે અને આ સમયે જ કેનાલ છોડવામાં આવતી હોય છે પરંતુ કેનાલમાં ડાયવર્જન હોવાથી કેનાલમાં પાણી છોડી શકાય તેમ નથી જેથી ભાદર કેનાલના લાભકર્તા ખેડૂતો સરકાર પર રોષે ભરાયા છે. ખેડૂતોનું કહેવું છે કે કેનાલનું પુરાણ કરી ડાયવર્જનની જાણ અમોને સિચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી હોત તો અમો થોડું મોડું વાવેતર કરત પણ હવે તો ચોમાસુ પાક બાદ શિયાળુ પાકથી પણ અમારે હાથ ધોવા પડશે.

આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઈજનેર અભય બર્નવાલે જણાવેલ કે, અમો ૩૦ નવેમ્‍બર સુધીમાં પુલનું કામ પૂર્ણ કરી કેનાલમાંથી મારી દૂર કરી દઈશું. જ્‍યારેભાદર સિચાઈ વિભાગના ઈજનેર દીપ ડોબરીયાએ જણાવેલ કે અમોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૩૦ નવેમ્‍બર સુધીમાં કામ પૂર્ણ કરી કેનાલ ખોલી દેવાની લેખિત બાંહેધરી આપી છે. જેથી ત્‍યાં સુધીમાં જો કામ પૂર્ણ નહિ થાય તો અમો જાતે કેનાલમાંથી ડાયવર્જન દૂર કરી પાણી છોડી દઈશું.

પરંતું ખરી વાસ્‍તવિકતા એ છે કે સરકારી કામ ક્‍યારેય નિયત સમય મર્યાદામાં પૂર્ણ થયા નથી જેથી ભાદર કેનાલના લાભકર્તા ખેડૂતોને શિયાળુ પાક માટે હવે માથે ઓઢીને રોવાનો વારો આવે તો નવાઈ નહિ.

 

(10:55 AM IST)