તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
શિયાળાની રાત્રિ પુરતી હળવી જમાવટ યથાવત
ગુજરાતના પાડોશી રાજયો રાજસ્થાન- મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં કોલ્ડવેવનું એલર્ટ હોઇ, બે દિ' સુધી રાત્રીની ઠંડી થોડી વધવાની સંભાવના

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૮: નવેમ્બરનો ઉતરાર્ધ ચાલી રહ્યો છે ત્યારે હાલ દબાતે પગલે શિયાળાનું આગમન રાત્રિના ભાગે અને મોડી સવાર સુધી અનુભવાય રહ્યું છે. દિવસના ભાગે હજુ શિયાળાની પ્રારંભિક અવસ્થા જ જોવા મળી રહી છે. ડીસેમ્બર શિયાળાનો ધોરી માસ ગણાય આ વેળા એવુ લાગી રહ્યુ છે કે, શિયાળાનો દાયરો વધીને પાછોતરી ઠંડી ધ્રુજાવશે. તેનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે.
હજુ થોડા દિ' પહેલા જ એક નબળુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ ચુકયુ અને વધુ એક ડબલ્યુ ડી પણ આજ-કાલમાં પસાર થઇ જશે. હાલ મજબૂત ડબલ્યુ ડીનો અભાવ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે ટુંકમાં ડબલ્યુ ડી (પશ્ચિમના દેશો પરથી પસાર થઇ આવતી વાદળોની વરસાદી સીસ્ટમ અને એટલે જ તેનું નામ પડયુ છે પશ્ચિમી વિક્ષોભ) જયારે જયારે પણ ડબલ્યુ ડી મજબૂત હોય છે ત્યારે તે ઉતરના રાજયોમાં ભારે સ્નોફોલ વરસાવીને પસાર થઇ જાય છે. તેના પસાર થવા બાદ ઉતરના અતિ ઠંડા પવનો વરસેલા સ્નોફોલને કારણે ગુજરાત સુધી વહે છે અને અહીં શિત લહેર- કોલ્ડવેવ જેવી હાડ ધ્રુજાવતી ઠંડી કોઇ વેળા કહેર સ્વરૂપે લોકોને ધ્રુજાવે છે. વાતાવરણ ઠંડુગાર કરી દે છે. ડબલ્યુ ડી નો એક પછી એક ક્રમ નવેમ્બરના અંત ભાગે કે ડીસેમ્બરના પ્રારંભથી શરૂ થઇ શકવાનુ અનુમાન કરાઇ રહયું છે. ઓણસાલ શિયાળો લંબાઇ પણ શકે છે.
હાલ આઇએમડી દ્વારા ગુજરાતના પાડોશી રાજયો રાજસ્થાન, મધ્યપ્રદેશ- મહારાષ્ટ્રના કેટલાક હિસ્સાઓમાં શીત લહેર- કોલ્ડવેવનું યેલો- ઓરેંજ એલર્ટ જોવા મળી રહયુ છે જો કે બે દિ' બાદ એ એલર્ટ ક્રમશઃ ઘટે તેવુ પણ સાપ્તાહિક વર્તારામાં જોવા મળી રહ્યું હોઇ આપણે ગુજરાતમાં બે દિ' સુધી રાત્રીની ઠંડી થોડી વધી હોય તેવી અનુભૂતી થશે. અસ્સલ ઠંડીની જમાવટ ડબલ્યુ ડી ના આગમને જ થશે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
