News of Tuesday, 18th November 2025
મોરબીના વેપારી સાથે ૧.૭ર કરોડની છેતરપીંડીમાં વધુ એક આરોપી પકડાયો
દિલ્હીથી ઝડપી લેવાયેલ આરોપી જયકિશન બે દિ'ના રીમાન્ડ ઉપર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૮: વિદેશમાં વેપાર-ધંધા અને નિકાસ કરવાની લાલચ આપીને વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાના ગુન્હામાં મોરબી સાયબર ક્રાઈમની ટીમે ગુનાહિત ટોળકીના વધુ એક સભ્યને નવી દિલ્હી ખાતેથી ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ નવી દિલ્હી ખાતે આવેલી ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા. લિ. અને જી.બી.એફ.એસ. વીંગ્સ પ્રા. લિ. નામની કંપનીઓ ઓનલાઈન વેબસાઈટ પર વેપારીઓને તેમનો માલ વિદેશમાં નિકાસ કરાવવાની લલચામણી સ્કીમો મૂકીને તેમની સાથે આર્થિક છેતરપિંડી આચરતી હતી. મોરબીના દેવેન્દ્રભાઈ દેત્રોજા (એવીયર ઈમ્પેક્ષ) કોકોપીટનું પ્રોડક્શન ક૨તા હોય અને વિદેશમાં વેપાર ક૨વા માટે ગુગલ સર્ચ દ્વારા આ કંપનીઓના સંપર્કમાં આવ્યા હતા. આ કંપનીઓએ તેમને હોંગકોંગની ACES TRADING કંપની સાથે ડીલ કરાવી આપવાના બહાને વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાન અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. ૧,૭૨,૮૮,૪૦૦ નું ટ્રાન્ઝેક્શન કરાવી છેતરપિંડી આચરી હતી. આ રકમ પડાવી લીધા બાદ વેપારીને વિદેશમાં કોઈ વેપાર કરાવ્યો ન હતો.
મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી, પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વસાવાએ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ માહિતીના આધારે દિલ્હી ખાતે તપાસ કરતા, પોલીસે મુખ્ય આરોપીના પિતાના બેંક ખાતામાં ફ્રોડથી મેળવેલા નાણાં વાપરનાર આરોપી જયકીશન ભાનારામ સિંગલા (ઉ.વ. ૫૨, રહે ન્યુ દિલ્હી)ની ધરપકડ કરીને તેને મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન લાવીને બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે અને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
