<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

મને સળી કરવાવાળાઓનાં હું ફોન નથી ઉપાડતો : ખેડૂતોના ફોન નહીં ઉપાડવા મામલે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીનું ચોંકાવનારું નિવેદન

ખેડૂતોના ફોન ન ઉપાડવાનાં પ્રશ્ન પર અરવિંદભાઈ લાડાણી ઉગ્ર થયા હોય તેમ કહ્યું કે, કેટલાક વિઘ્નસંતોષીઓ હોય છે,

જુનાગઢમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ખેડૂતોના ફોન ન ઉપાડવાનાં પ્રશ્ન પર અરવિંદભાઈ લાડાણી ઉગ્ર થયા હોય તેમ કહ્યું કે, કેટલાક વિઘ્નસંતોષીઓ હોય છે, જેમના ફોન નથી ઉપાડતો. મને સળી કરવાવાળાઓનાં હું ફોન નથી ઉપાડતો. ક્યારેક મીટિંગમાં વ્યસ્ત હોઈએ ત્યારે પણ ફોન ના ઉપડે. ખેડૂતોના ફોન ન ઉપાડવા બાબતે અરવિંદભાઈના જવાબનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના વંથલીમાં મગફળી કેન્દ્ર ઉદ્ઘાટન પ્રસંગે માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ખેડૂતોના ફોન ન ઉપાડવા બાબતનાં પ્રશ્ન પર ઉગ્ર થયા હોય એવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં ખેડૂતોના ફોન ન ઉપાડવા મુદ્દે અરવિંદભાઈ લાડાણી નિવેદન આપતા કહે છે કે, હું ખેડૂતોના પ્રશ્નોનો જવાબ આપતો જ હોઉ છું. ખેડૂતોનાં ફોન ના ઉપાડું એ વાત તદ્દન ખોટી છે. પરંતુ, કેટલાક વિઘ્નસંતોષીઓ હોય છે, જેમના ફોન નથી ઉપાડતો.

ઉપરાંત, વાઇરલ વીડિયોમાં અરવિંદભાઈ લાડાણી કહેતા સંભળાય છે કે, મને સળી કરવાવાળાઓના હું ફોન નથી ઉપાડતો. ક્યારેક મીટિંગમાં વ્યસ્ત હોઈએ ત્યારે પણ ફોન ના ઉપડે. વંથલીમાં મારે ક્યારે કાર્યાલય ખોલવું તે મારો પ્રશ્ન છે. તેમણે આગળ કહ્યું કે, ખીરસા ગામેથી ફોન આવ્યો હતો, પણ જવાબ આપવો યોગ્ય ન લાગ્યો. આ સાથે અરવિંદભાઈ લાડાણીએ મીડિયાકર્મીઓ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.

(8:33 PM IST)