<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

જામનગરના જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડો.પાર્શ્વ વોરાએ જરૂરિયાત વગર ઓપરેશન કરી મારા પિતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા અને પિતાનું મૃત્યુ થયુ : ડો. પાર્શ્વ વોરા સામે કાયદેસરની કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે તેવી માગણી

ચા ની કિટલી ચલાવી વ્યવસાય કરતા અને સામાન્ય જિંદગી જીવતા રસિકભાઈ હિંડોચા દિવસેને દિવસે વધુ તબિયત બગડતી ગઈ અને ફરી ત્યાં દેખાડવા જતા તેઓએ રૂપિયા ખંખેરવાનું ચાલુ રાખ્યું : પિતાની છત્રછાયા ગુમાવનાર રવિભાઈએ આપવિતી વર્ણવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : અમદાવાદના ખ્યાતિ કાંડ બાદ જામનગરના જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડો. પાર્શ્વ વોરાની PMJAY યોજના હેઠળ સારવાર બાદ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સામે આવી રહ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા તોડાયેલા પગલાને લઈને ડો. પાર્શ્વ વોરા અને તેનો પરિવાર ભૂગર્ભમાં ઊતરી ગયા છે ત્યારે દર્દીના પરિવારજનો જરૂરિયાત વગર ઓપરેશન કરી મોતની ઘાટ ઉતાર્યા હોવાના તબીબ પર આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ કરવા સામે આવી રહ્યા છે. 

        જામનગરમાં રહેતા લોહાણા સમાજના રસિકભાઈ હિંડોચા નામના 65 વર્ષીય વૃદ્ધ પોતાના પુત્ર સાથે રહેતા હતા અને તેમને શ્વાસ લેવામાં નોર્મલ તકલીફ થતા તેમના પુત્ર રવિભાઈ સાથે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટયૂટમાં પહોંચ્યા હતા જ્યાં ડો. પાર્શ્વ વોરા દ્વારા આયુષ્યમાન કાર્ડ હોવાનું પરિવારજનોને પૂછી તાત્કાલિક તેમની નળીઓ બ્લોક હોવાનું જણાવી બે સ્ટેન્ડ મૂકવા પડશે અને વધુ તકલીફ છે તેવું કહી ઓપરેશન કર્યું હતું. તેમ  તેમના પુત્ર રવિભાઈ હિંડોચાએ જણાવ્યું હતું. 

       ઓપરેશન બાદ ચા ની કિટલી ચલાવી વ્યવસાય કરતા અને સામાન્ય જિંદગી જીવતા રસિકભાઈ હિંડોચા દિવસેને દિવસે વધુ તબિયત બગડતી ગઈ અને ફરી ત્યાં દેખાડવા જતા તેઓએ રૂપિયા ખંખેરવાનું ચાલુ રાખ્યું અને સારું થઈ જશે તેવું જણાવ્યું હતું પરંતુ કોઈ પણ સારવાર બાદ સારું થવાને બદલે ઉલટાનું તબિયત વધુ બગડવા લાગી અને 1 નવેમ્બર 2025 ના તેઓ પરિવાર વચ્ચેથી વિદાય લઈ લીધી. જેને લઈને પરિવાર દુઃખમાં સરી પડ્યો છે. 

          પિતાની છત્રછાયા ગુમાવનાર રવિભાઈએ આપવિતી વર્ણવતા જણાવ્યું કે, ઓપરેશન બાદ સારું થવાને બદલે તબિયત બગડવા લાગી અને અંતે મારા પિતા મૃત્યુને ભેટયા, જેથી અમને પણ લાગી રહ્યું છે કે, ક્યાંક ડો. પાર્શ્વ વોરાએ જરૂરિયાત વગર ઓપરેશન કરી મારા પિતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા છે અને ગેરરીતિ આચરી છે. ત્યારે આ મુદ્દે જીસીસી હાર્ટ ઇન્સ્ટિટયૂટ ના ડો. પાર્શ્વ વોરા સામે કાયદેસરની કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. 

(તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:16 PM IST)