News of Wednesday, 19th November 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું પેપર રદ :અધ્યાપકની ભૂલના લીધે BCA સેમેસ્ટર 5નું 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ કરાયું
હવે આ પેપર 22 નવેમ્બરના રોજ લેવાશે :ગંભીર ભૂલ કરતા અધ્યાપકને કોઈપણ જાતની સજા નહીં :અધ્યાપકની ભૂલના કારણે ફરીથી પેપર લેવાની ફરજ પડી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરના લેવાયેલું BCA સેમેસ્ટર 5નું 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ગત 12 નવેમ્બરના લેવાયેલુ બીસીએસ સેમેસ્ટર 5નું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર એક સરખું નીકળ્યું હોવાથી આ પેપર રદ કરવામાં આવ્યું છે. હવે આ આ પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે. જોકે તેમાં ગંભીર ભૂલ કરતા અધ્યાપકને કોઈપણ જાતની સજા જાહેર કરવામાં આવી નથી કે આ અધ્યાપકની ભૂલના કારણે ફરીથી પેપર લેવાની ફરજ પડી છે તેવું પણ પરિપત્રમાં ક્યાંય લખવામાં આવ્યું નથી. જેથી યુનિવર્સિટી અધ્યાપકને બચાવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 13 નવેમ્બરના રોજ ABVPના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ ધરમ સોઢીયાની આગેવાનીમાં થયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, આજના બીસીએસ સેમેસ્ટર-5ના પ્રોગ્રામિંગ ઇન પાયથન વિષયના પેપરમાં છબરડા સામે આવ્યા હતા. જામનગરની એચ.જે.દોશી કોલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં લેવાયેલું પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં લેવામાં આવ્યું હતું. બંને પેપર એક સરખા હતા. જેથી પેપર સેટ કરનાર જામનગરની દોશી કોલેજના અધ્યાપક હિરલ પંડ્યા દ્વારા ગંભીર ભૂલ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો અને તે સાચો ઠર્યો હતો. કારણ કે બંને પેપર એક સરખા જ હતા.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓના આ પ્રશ્નને લઈને યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે તે સમયે કુલપતિ હાજર ન હોવાથી VC ડૉ.ઉત્પલ જોશી ગાયબ છે તેવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. જે બાદ ઇન્ચાર્જ રજીસ્ટ્રાર મનીષ ધામેચાને રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રશ્ન પરીક્ષા વિભાગનો હોવાથી ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ અને OSD નિલેશ સોનીને જાણ કરવામાં આવી હતી. જે પછી હવે પેપર રદ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
