<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ ભાવનગર ખાતે ભાણિમા કન્યા છાત્રાલયની મુલાકાત લીધી : છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓ સાથે ભોજન લીધું

શૈક્ષણિક ક્ષેત્રે પ્રતિભાવાન વિદ્યાર્થિનીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું : મંત્રીએ કુંભારવાડા ખાતે પ્લાસ્ટિક યુનિટ એસોસિએશન યુનિટની મુલાકાત લીધી

(માહિતી બ્યુરો) ભાવનગર તા.૨૩

સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ ભાવનગર ખાતે અનુસૂચિત જાતિની ભાણિમા કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી તેમજ ભાણિમા કન્યા છાત્રાલય મેઘાણી સર્કલ ખાતે શૈક્ષણિક ક્ષેત્રે પ્રતિભાવાન વિદ્યાર્થિનીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીએ છાત્રાલયની મુલાકાત પહેલા જશોનાથ સર્કલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરી હતી, ત્યારબાદ વાલ્મિકી વસાહત કરચલિયાપરા ખાતે મહિલા કાર્યકર્તા રેખાબેન બારૈયાના નિવાસ સ્થાને વસાહતની મુલાકાત કરી ખાટલા બેઠક કરી હતી.

 

મંત્રીશ્રીએ અનુસૂચિત જાતિની છાત્રાલય મેઘાણી સર્કલ ખાતે ભાણિમા કન્યા છાત્રાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના અભ્યાસ બાબતે જરૂરી સૂચન કર્યું હતું. અને છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓ સાથે ભોજન લીધું હતું.

 

ભાવનગરની મુલાકાત વેળાએ મંત્રી  ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયની પણ મુલાકાત લીધી હતી.

કુંભારવાડા ખાતે અગ્રણી જીવરાજભાઈ રાઠોડના નિવાસ સ્થાને પ્લાસ્ટિક યુનિટની મુલાકાત લઈ પ્લાસ્ટિક યુનિટ એસોસિએશનના પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યારબાદ ચિત્રા GIDC ખાતે ઔદ્યોગિક ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ પિનાકિનભાઇ સોલંકીનું સન્માન કર્યું હતું.

 

આ તકે અગ્રણીઓ  કુમારભાઈ શાહ, અભયસિંહ ચૌહાણ, નરેશભાઈ ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક મુકેશ ગામીત, સમરસ હોસ્ટેલના સમાજ કલ્યાણ અધિકારી મીનાબેન રાઠોડ, ટ્રસ્ટીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.(- કૌશિકભાઈ માહિતી ખાતુ ભાવનગર)

(12:27 PM IST)