<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

મોરબીમાં મોબાઈલ ટાવરમાંથી 'કોપર કેબલ વાયર'ની ચોરી: ₹૩૦,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ ચોરાયો

લક્ષ્મીનગર અને માળિયા હાઈવે નજીકના ટાવર બન્યા નિશાન: સાઈટ ડાઉન થતાં ચોરીનો પર્દાફાશ, પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો

મોરબી:  મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક આવેલ મોબાઈલ ટાવરને નિશાન બનાવીને અજાણ્યા ચોર ઈસમોએ કોપર કેબલ વાયરની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ ચોરીના કારણે કંપનીને આશરે રૂ. ૩૦,૦૦૦નું નુકસાન થયું છે અને મોબાઈલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. મોરબી તાલુકા પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને ચોરને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ચોરીની ફરિયાદ ઇન્ડેઝ ટાવર્સ પ્રા. લિ. (Indus Towers Pvt Ltd) માં આર એસ સિક્યુરિટી અમદાવાદમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (રહે. ગાયત્રીનગર, મોરબી)એ નોંધાવી છે. ગત તા. ૨૨ની રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમથી તેમને ફોન આવ્યો હતો કે માળિયા કચ્છ હાઈવે પર આવેલ એક ટાવર (ID ૧૨૬૫૨૪૧)ની સાઈટ ડાઉન છે. ત્યાં તપાસ કરવા જતાં કેબલ કપાયેલા અને વેરવિખેર પડ્યા હતા. ત્યાં રીપેરીંગ ચાલી રહ્યું હતું, ત્યારે રાત્રે બે વાગ્યાના અરસામાં બીજા ટેકનિશિયને લક્ષ્મીનગર વાળા ટાવર (ID ૧૨૯૦૮૫૧)ની સાઈટ ડાઉન હોવાની વાત કરી. લક્ષ્મીનગર પાસે રામદેવ હોટેલ નજીક આવેલ ટાવર પર પહોંચતા ત્યાં પણ કેબલ કપાયેલા જોવા મળ્યા હતા, જેનાથી એકસાથે બે સ્થળે ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.
ચોરી થયેલા કેબલની વિગતો ટેકનિશિયનની મદદથી એકઠી કરવામાં આવી હતી. ચોર ઈસમોએ ટાવરમાંથી અલગ અલગ માપ સાઈઝના કોપર કેબલ વાયરો કાપી નાખ્યા હતા. જેમાં મુખ્યત્વે ૨૫ એમએમનો ચાર કોરવાળો કોપર કેબલ ૪ મીટર, ૨૫ એમએમનો એક કોરનો કોપર કેબલ ૧૮ મીટર, જીયો ૫જી પાવર કોપર કેબલ ૨૦ મીટર સહિત કુલ રૂ. ૩૦,૦૦૦ની કિંમતના કેબલ કાપીને ચોરી કરવામાં આવ્યા હતા. કોપરની ઊંચી કિંમતને કારણે ચોર ઈસમો ખાસ કરીને મોબાઈલ ટાવરના કોપર કેબલને નિશાન બનાવી રહ્યા છે.
મોબાઈલ ટાવરમાંથી કોપર કેબલની ચોરીની ઘટનાઓ ગ્રામ્ય અને હાઈવે નજીકના વિસ્તારોમાં વધી રહી છે. આ ચોરી માત્ર કંપનીને આર્થિક નુકસાન જ નથી કરતી, પરંતુ સાઈટ ડાઉન થવાને કારણે આસપાસના વિસ્તારમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ જાય છે, જેનાથી સામાન્ય જનજીવન અને ઈમરજન્સી સેવાઓ પર અસર પડે છે. મોરબી તાલુકા પોલીસે હવે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે અજાણ્યા ચોર ઈસમોને ઝડપી પાડવા અને કેબલ વાયર ચોરવાના સંગઠિત રેકેટનો પર્દાફાશ કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:04 PM IST)