News of Monday, 24th November 2025
જામનગરમાં તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ થયેલ BLO ની મતદાર નોંધણી અધિકારી સુધીર બારડે મુલાકાત લઈ કાળજી લીધી
અધિકારીના આ માનવીય અભિગમ બદલ, હિરલબેનના પરિવારજનોએ વહીવટી તંત્ર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો

જામનગર : રાજ્યનું વહીવટી તંત્ર માત્ર નિયમો અને કાયદાઓ પૂરતું સીમિત ન રહેતાં પોતાના કર્મચારીઓની સંવેદના પ્રત્યે પણ એટલું જ જાગૃત છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જામનગર ખાતે જોવા મળ્યું છે. શહેરની મસીતિયા વાડી શાળા નં. ૨ માં બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં હિરલબેન ત્રિવેદીની ઓચિંતી તબિયત લથડતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વાતની જાણ થતાં જ તેમના મતદાર નોંધણી અધિકારી તેમજ જિલ્લા પુરવઠા અધિકારી સુધીર બારડ સંવેદનાસભર અભિગમ સાથે તુરંત જ હોસ્પિટલ પહોંચ્યા હતા.સુધીર બારડે હોસ્પિટલ પહોંચીને હિરલબેન ત્રિવેદીના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી. આ સાથે જ તેમણે હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓને પણ હિરલબેનની સારવારમાં ખાસ કાળજી લેવા અંગે જાણ કરી હતી.
અધિકારી દ્વારા પોતાની સાથે જોડાયેલા કર્મી પ્રત્યે દર્શાવવામાં આવેલી આ પોતીકાપણાની ભાવના અને સંવેદનાસભર કાળજીએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અધિકારીના આ માનવીય અભિગમ બદલ, હિરલબેનના પરિવારજનોએ વહીવટી તંત્ર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ખુશીની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્રની આ સંવેદના કર્મચારીઓનો મનોબળ વધારનારી છે
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
