તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 26th November 2025
શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની ૧૮૧ અભયમ ટીમ
કુશળ કાઉન્સેલિંગ અને સોશિયલ નેટવર્કિંગથી કડી જોડી જામનગરની ૧૮૧ અભયમ ટીમ વૃદ્ધાના પરિવારજનો સુધી પહોંચી

જામનગર :જામનગરની ૧૮૧ અભયમ ટીમે મંદિરે દર્શનાર્થે જતાં ભૂલા પડેલા અને શારીરિક અશક્ત એવા એક નિઃસહાય વૃદ્ધાને મદદ કરીને તેમના પરિવારજનો સાથે મેળાપ કરાવી સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
એક જાગૃત નાગરિક દ્વારા પેટ્રોલ પંપ પાસે બેસેલા આ નિઃસહાય વૃદ્ધ મહિલા માટે ૧૮૧ અભયમ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ૧૮૧ ટીમનાં કાઉન્સેલર રૂપલ મકવાણા, મહિલા કોન્સ્ટેબલ ગીતાબેન ધરવિયાં અને ડ્રાઇવર સુરજીતભાઈ વાઘેલા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ત્યાં પહોંચીને ટીમે સૌપ્રથમ ૭૫ વર્ષની ઉંમર ધરાવતા આ વૃદ્ધાને હૂંફ આપીને ભાવનાત્મક ટેકો પૂરો પાડ્યો અને કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે વૃદ્ધા મંદિર જવા માટે રિક્ષામાં બેઠા હતા પરંતુ રિક્ષાચાલક તેમને બીજા રસ્તે ઉતારીને જતો રહ્યો હતો. નબળી યાદશક્તિના કારણે તેઓ રસ્તો ભૂલી ગયા હતા.
આ વૃદ્ધા માત્ર પોતાનું નામ અને દીકરાનું નામ જ જણાવી શકતા હતા તેમજ રહેઠાણના વિસ્તારની તૂટક અને અપૂરતી માહિતી જ આપી શકતા હતા. અભયમ ટીમે તેમની કુશળતાનો ઉપયોગ કરીને વૃદ્ધા દ્વારા આપવામાં આવતી તૂટક માહિતીના આધારે આસપાસના વિસ્તારોમાં સઘન પૂછપરછ શરૂ કરી હતી. આ ઉપરાંત, સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ કરીને પણ તેમના પરિવારજનોની શોધખોળ કરવામાં આવી જેમાં એક વ્યક્તિ દ્વારા વૃદ્ધાની ઓળખ થતાં જ ટીમે તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો.
પરિવારજનોએ ૧૮૧ ટીમને જણાવ્યું કે, "તેમના બા સવારથી ઘરેથી નીકળી ગયા હતા અને તેમને પરત ફરવાનો રસ્તો યાદ ન હોવાથી તેઓ બધા સવારથી જ તેમની શોધખોળ કરી રહ્યા હતા."
અભયમ ટીમે વૃદ્ધ મહિલાનું તેમના પરિવારજનો સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું હતું. માતાને સુરક્ષિત જોઈને પરિવારજનોએ જામનગરની ૧૮૧ અભયમ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના દર્શાવે છે કે સંકટના સમયે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓ અને વૃદ્ધો માટે એક અસરકારક સહારો બની રહી છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
