<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

પોરબંદરમાં પાંચ દિ'માં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ૧૩૩ વાહન ચાલકો ઝડપાયાઃ ૮૦ હજારનો દંડ

ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ દરમીયાન રાત્રી દરમીયાન અકસ્‍માતો નિવારવા વાહનોમાં રેડીયમ પટ્ટીઓ લગાવાયીઃ ઓવર લોડ વાહન નહીં ચલાવવા સૂચના અપાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૭: ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન પાંચ દિવસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા ૧૩૩ વાહન ચાલકો મળી આવતા કુલ ૮૦ હજારનો દંડ વાહન ચાલકો પાસેથી વસુલ કરાયો હતો.

જીલ્લામાં અકસ્‍માતો નિવારવા માટે કાયદાકીય તમામ પ્રકારના પગલાં લેવા માટે તેમજ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજવા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા  દ્વારા ટ્રાફિક શાખાના પોલીસ ઇન્‍સ. એમ.એલ. આહિર તથા પોલીસ સબ ઈન્‍સ. કે.બી. ચૌહાણને સૂચના અનુસાર પોલીસ ઇન્‍સ. એમ.એલ. આહિર ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ટીમ દ્રારા છેલ્લા પાંચ દિવસમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ૧૩૩ વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી ૮૦ હજારથી વધુ સ્‍થળદંડ વસૂલ કરવામા આવેલ હતો.

હાઈવે પર પેટ્રોલીંગ દરમ્‍યાન રોંગ સાઈડ કે ઓવરસ્‍પીડથી વાહન ન ચલાવવા,જરૂરી તમામ પ્રકારના દસ્‍તાવેજો નિયમાનુસાર સાથે રાખવા, ટ્રાફિક નિયમોને ધ્‍યાને રાખી વાહન  ઓવરટેઈક કરવુ તેમજ પરમીટ કરતા વધુ માલ સામાન કે મુસાફરો ન બેસાડવા વિગેરે ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગળતિ આવે તે હેતુથી અવાર નવાર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવે છે,

રાત્રી દરમ્‍યાન થતા અકસ્‍માતો નિવારવા માટે વાહનોમાં રિફલેકટર્સ લગાવવામાં આવે છે. હાલ ખેડુત ભાઈઓ પોતાના વાહનોમાં જણસી ભરી માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારે કે રાત્રીના સમયે જતા હોય છે જેથી અકસ્‍માતો નિવારવા ખેડૂત ભાઈઓને પોતાના વાહનોમાં રિફલેકટર્સ રેડીયમ પટ્ટી લગાવવા પોરબંદર પોલીસ દ્રારા અપીલ કરવામાં આવેલ છે તેમજ નાઈટ પેટ્રોલીંગ દરમ્‍યાન  વાહનચાલકોને રોકી હાઈવે પર ઢોર/પશુ બેસેલા હોવાની શકયતા હોવાથી સાવધાનીપૂર્વક વાહન ચલાવવા સૂચના આપી ત્‍યારે વાહનચાલકો- મુસાફરોએ  પોલીસની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્‍યક્‍ત કર્યો હતો

(12:11 PM IST)