<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

ખેડૂતોની જીત: બાબરામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે બીજું સેન્ટર શરૂ, ખેડૂતોમાં આનંદની લહેર

સરકાર દ્વારા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીને મંજૂરી અપાતા અમીધારા જીન ખાતે ખરીદીનો પ્રારંભ; ધીમી ખરીદીની સમસ્યામાંથી ખેડૂતોને મોટી રાહત.

બાબરા: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખેડૂતો માટે રાહત અને આનંદના સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે બાબરામાં બીજું ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. અગાઉ, માર્કેટિંગ યાર્ડમાં માત્ર એક જ મંડળીને ખરીદીની મંજૂરી હોવાથી અને રજિસ્ટ્રેશનનો મોટો આંકડો હોવાથી ખરીદી પ્રક્રિયા ખૂબ ધીમી ચાલી રહી હતી. ખેડૂતોની સતત માંગણીને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે હવે તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની મંજૂરી આપી છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી દ્વારા આ નવું ખરીદી સેન્ટર અમરેલી રોડ પર બંધ પડેલા અમીધારા જીન ખાતે શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલથી આ સેન્ટર પર ખેડૂતોના હસ્તે વિધિવત રીતે ખરીદીનો પ્રારંભ કરાયો છે. પ્રથમ દિવસે જ 51 ખેડૂતોને મંડળી તરફથી મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેના પગલે વહેલી સવારે મોટી સંખ્યામાં ખેડૂતો વાહનોમાં મગફળી ભરીને સેન્ટર પર પહોંચ્યા હતા. ખરીદીની કામગીરી શરૂ થતાં મોટી સંખ્યામાં ખેડૂતોને હવે ઝડપથી મગફળી વેચી શકવાનો મોકો મળશે.

નવા સેન્ટર પર મંડળી દ્વારા ખેડૂતોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીં ખેડૂતોને સ્થળ પર જ મગફળીના સેમ્પલ લેવામાં આવે છે તેમજ જોખવાની કામગીરી પણ સ્થળ પર જ થઈ રહી છે, જેના કારણે ખેડૂતોને બિનજરૂરી દોડધામ કરવી પડતી નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, મંડળી તરફથી ખેડૂતોને ચા-પાણીની 24 કલાક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી દૂરથી આવેલા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ શુભ પ્રસંગે તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના ચેરમેન જગદીશભાઈ નાકરાણી, વાઇસ ચેરમેન હરેશભાઇ આખજા, પાલિકા પ્રમુખ પ્રવિણભાઈ કરકર અને ગુજકોમસોલના અધિકારીઓ સહિત ખેડૂતો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા પ્રમુખ પ્રવિણભાઈ કરકરે જણાવ્યું કે, મોટા પ્રમાણમાં થયેલા રજિસ્ટ્રેશન બાદ આ બીજા સેન્ટરની ખૂબ જરૂરિયાત હતી, જે ફાળવવામાં આવતા ખેડૂતોને મોટી રાહત મળી છે. ચેરમેન જગદીશભાઈ નાકરાણીએ ખાતરી આપી કે મંડળી ખેડૂતોને કોઈપણ સમસ્યા ન થાય તે રીતે ખરીદી કરી રહી છે.

 

(3:49 PM IST)