<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

રોરો ફેરીમાંથી ઉતરેલી ટ્રકમાંથી સાડા ત્રીસ લાખનો દારૂ ઝડપાયોઃ ગોવાથી લાવનાર બે ઝડપાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૧: પેરોલ ફર્લો સ્‍ક્‍વોડની ટીમ ઘોઘા તાલુકાના રો-રો ફેરી સર્વિસના માર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતી. ટીમને બાતમી મળી હતી કે, ઘોઘા રોરો ફેરી સર્વિસમાં એક ટ્રકમાં દારૂનો જથ્‍થો આવી રહ્યો છે, જેને પગલે ઘોઘા રો રો ફેરી સર્વિસના રોડ ઉપર પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ટ્રક આવતા તે ટ્રકને ઉભો રાખીને તપાસ હાથ ધરી હતી.

પેરોલ ફર્લો સ્‍ક્‍વોડની ટીમે ટ્રકને ઉભો રાખીને તેના ચાલકનું નામ પુછતા તેનું નામ અર્જુન બંસીલાલ નટ અને તે રાજસ્‍થાનનો રહેવાશી હોવાનું જણાવ્‍યું હતું. જ્‍યારે તેની બાજુની સીટમાં બેઠેલા શખ્‍સનું નામ પૂછતા તેને વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા અને રાજસ્‍થાનનો રહેવાશી હોવાનું જણાવ્‍યું હતું. જો કે બંનેને નીચે ઉતારીને પાછળના ભાગમાં રાખવામાં આવેલો માલ સામાન ચેક કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે પૂઠામાં રાખેલા ઈલેક્‍ટ્રીક સામાનના ખોખા નજરે પડ્‍યા હતા. જો કે ત્‍યારબાદ પોલીસે ટ્રક ઉપર ચડીને કેબિન તરફ બે નટ ખોલીને તપાસ કરતા દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. કેબિનના અંદરના ભાગમાં ચોરખાનામાંથી દારૂની પેટીઓ મળી આવી હતી.

પેરોલ ફર્લો સ્‍ક્‍વોડની ટીમે આ ટ્રકમાંથી કુલ દારૂની બોટલ ૨૩૬૪ જેની કિંમત ૩૦,૫૪,૦૦૦ થવા જાય છે. પોલીસે ડ્રાઇવર અને કંડકટરને આ દારૂ કયાંથી લાવ્‍યા તેને પુછપરછ કરતા અમરસિંહ નવલસિંહ અને રઘુવીરસિંહ શંકરસિંગ નામના શખ્‍સોએ આ દારૂ ગોવાથી ભરાવ્‍યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે દારૂની બોટલો, મોબાઈલ, ટ્રક મળીને કુલ ૪૦,૬૪,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે લીધો છે.

જ્‍યારે ઘોઘા પોલીસ સ્‍ટેશનમાં ડ્રાઇવર અને કંડકટરને ઝડપી લીધા બાદ દારૂ મેળવનાર સુરતના રાજુભાઈ અને દારૂ ભરી આપનાર અમરસિંગ નવલસિંહ અને રઘુવીરસિંહ શંકરસિંહ તેમજ ડ્રાઇવર અર્જુન બંસીલાલ નટ અને તેની સાથેના વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.(૨.૮)

(11:19 AM IST)