<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

તાલાલાના બાકુલા ધણેજના ભરતગીરીનું ચોરવાડ નજીક ‘હિટ એન્‍ડ રન'માં મોત

પગમાં ઇજા થઇ હોઇ ડ્રેસીંગ કરાવી બાઇક પર કુકસવાડાથી પોતાના ગામ આવી રહ્યા હતાં ત્‍યારે અજાણ્‍યો વાહનચાલક બાઇકને ઉલાળીને ભાગી ગયોઃ રાજકોટમાં મૃત્‍યુઃ અપારનાથી પરિવારમાં શોક

રાજકોટ તા. ૩: માંગરોડના ચોરવાડ નજીક હિટ એન્‍ડ રનની ઘટનામાં તાલાના બાકુલા ધણેજ ગામના પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. પગમાં ઇજા પહોંચી હોઇ સારવાર કરાવી બાઇક હંકારી કુકસવાડાથી પોતાના ગામ તરફ જતાં હતાં ત્‍યારે અજાણ્‍યો બોલેરો જેવા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ બાકુલા ધણેજ ગામે રહેતાં ભરતગીરી જસમતગીરી અપારનાથી (ઉ.વ.૫૦) પરમ દિવસે તા. ૧ના રોજ બાઇક હંકારી નજીકના કુકસવાડા ગામે ગયા હતાં. ત્‍યાંથી પરત પોતાના ઘરે જતા હતાં ત્‍યારે ચોરવાડ પાસે તેના બાઇકને બોલેરો જેવા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા પહોંચી હતી.

ભરતગીરીને પ્રથમ ચોરવાડ, વેરાવળ બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર ભરતગીરી ખેત મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે એક બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. તતેમના પગમાં ઇજા પહોંચી હોઇ જેથી કુકસવાડા ગામે ડોક્‍ટર પાસે ડ્રેસીંગ કરાવવા ગયા હતાં. ત્‍યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ, રવિભાઇ, પ્રતાપભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:11 PM IST)