<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

મહા ટ્રાફિક જામમાં ધ્રોલ ફસાયું: રાત્રે ૮ વાગ્‍યે નો-એન્‍ટ્રી ખૂલતા ૩ કિ.મી.ની કતારો, તંત્ર કયારે જાગશે?

જાણકારનો નક્કર સૂઝાવઃ રેલવે સ્‍ટેશન-માણેકપર રોડ રીપેરીંગ કરે તો ધ્રોલની ટ્રાફિક સમસ્‍યા હળવી થઈ શકે

(સંજય ડાંગર ધ્રોલ  દ્વારા) ધ્રોલ, તા. ૩ :  જામનગર-રાજકોટ હાઈવે પર સ્‍થિત ધ્રોલ શહેર છેલ્લા ઘણા દિવસોથી ગંભીર ટ્રાફિક સમસ્‍યાની ઝપેટમાં છે, જેના કારણે સ્‍થાનિકોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જાંબુડાથી ભાદરા રોડ પર વાહનોની અવરજવર બંધ કરી દેવાતા, સમગ્ર હાઈવેનો ટ્રાફિક ભાર હવે ફરજિયાતપણે ધ્રોલ શહેરના મુખ્‍ય માર્ગો પર આવી પડ્‍યો છે. આ અચાનક આવેલા ભારણને કારણે શહેરમાં વારંવાર મહાજામની સ્‍થિતિ સર્જાય છે.

શહેરના હૃદય સમાન ત્રિકોણથી શરૂ કરીને ગાંધીચોક અને લતીપર ચોકડી સુધીનો આશરે ૨ કિલોમીટરનો મુખ્‍ય પટ્ટો દરરોજ સાંજે ભયંકર ટ્રાફિક જામનો અનુભવ કરે છે. સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર, દરરોજ સાંજે ૮:૦૦ વાગ્‍યે નો-એન્‍ટ્રીઁ ખુલતાની સાથે જ ભારે વાહનોની એકસાથે એન્‍ટ્રી થાય છે. આના પરિણામે ત્રણ-ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો સર્જાય છે અને શહેરના મુખ્‍ય રસ્‍તાઓ એક કલાકથી વધુ સમય માટે સંપૂર્ણપણે બ્‍લોક જેવી સ્‍થિતિ સર્જાઈ છે.

ભાદરા-જાંબુડા રોડ બંધ થવાને કારણે તમામ વાહનો ફરજિયાત શહેરના અંદરના માર્ગેથી પસાર થવા મજબૂર છે. પરિણામે, સ્‍થાનિક વેપારીઓ આ પરિસ્‍થિતિને કારણે ત્રસ્‍ત છે, કારણ કે બજાર વિસ્‍તારમાં પગ મૂકવો પણ મુશ્‍કેલ બની જાય છે. એક સ્‍થાનિક લોકો ને જણાવ્‍યા મુજબ, ૅસાંજે ૮ વાગ્‍યા પછી તો પરિસ્‍થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે જાણે શહેરની મુખ્‍ય બજાર નહીં, પણ કોઈ ગીચ હાઈવે હોય! તંત્રની નિષ્‍ક્રિયતાથી જનતા ત્રસ્‍ત છે.ૅ

જાણકારો જણાવ્‍યું મુજબ એક વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા અનિવાર્ય છે, કારણ કે ભાદરા-જાંબુડા વચ્‍ચેના માર્ગનું અને ભારત માલા રોડનું કાર્ય હજુ અંદાજે દોઢથી બે વર્ષ સુધી ચાલુ રહેવાની સંભાવના છે, અને આટલા લાંબા સમય સુધી શહેરના માર્ગો પર આટલો ભારે ટ્રાફિકનો ભાર સહન કરવો અશકય છે. જાણકાર વર્તુળો સૂચવે છે કે, કાયમી બાયપાસ ન બને ત્‍યાં સુધી વૈકલ્‍પિક ઉકેલ તરીકે જુના ધ્રોલના રેલવે સ્‍ટેશનથી માણેકપર રોડ સુધીના રસ્‍તાને વ્‍યવસ્‍થિત રીપેર કરીને ટ્રાફિક માટે ખોલી આપવાથી આ ગંભીર સમસ્‍યા હળવી થઈ શકે છે.

ધ્રોલની જનતાએ વહીવટી તંત્ર, રાજકીય અને સામાજિક નેતાઓને તાત્‍કાલિક ધોરણે આ સમસ્‍યાના કાયમી નિરાકરણ માટે ભારપૂર્વક અપીલ કરી છે કે, શહેરમાં પ્રવેશતા તમામ ભારે વાહનો માટે તાત્‍કાલિક ધોરણે કામચલાઉ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવે. તેવી લોકો મા માંગ જાગી છે.

(1:24 PM IST)