News of Wednesday, 3rd December 2025
જેતપુરમાં રેલ્વે ફાટક બંધ કરી દેતા મહિલાઓનું રસ્તા રોકો આંદોલનઃ અટકાયત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૩: શહેરના ધોરાજી રોડ પર ફ્લાયઓવર ચાલુ થઈ જતા રેલ્વે ફાટક કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ફાટક ખોલવાની માંગ સાથે આ વિસ્તારની મહિલાઓ થોડા દિવસ પૂર્વે રેલ્વે પાટા પર બેસી ગઈ હતી ત્યારે પોલીસે સમજાવટથી તેઓને ત્યાંથી દૂર કરી હતી. તે પ્રશ્નનો ઉકેલ નહીં આવતા મહિલાઓએ ફ્લાયઓવરનો રસ્તો જ બંધ કરી દેતા ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગે ની જાણ થતા શહેર પોલીસ સ્થળ પર પહોંચી મહિલાઓને રસ્તા પરથી દૂર કરી ટ્રાફિક પૂર્વવત કરી તેર જેટલી મહિલાઓની અટકાયત કરી હતી.
અત્રેના ધોરાજી રોડ પર એકબાજુ ફ્લાયઓવરનું લોકાર્પણ થવાની સાથે જ રેલ્વે ઓથોરિટી દ્વારા ત્યાં રહેલ ફાટક કાયમ માટે બંધ કરી દીધું. ફાટક બંધ થતાં જ ફાટક બાદ આવેલ આઠથી દસ જેટલી સોસાયટીના રહેવાસીઓએ તેના વિસ્તારમાં અવરજવર માટે ફ્લાયઓવર પૂર્ણ કરી સર્વિસ રોડ પરથી ફરી જવું પડે છે. જેથી ફાટક ખોલવાની માંગ સાથે ફાટક બાદના વિસ્તારની મહિલાઓએ થોડા દિવસ પૂર્વે ટ્રેન રોકો આંદોલન કરી રેલ પાટા પર બેસી ગઈ હતી જેથી પોલીસ સ્થળ પર પહોંચી મહિલાઓને સમજાવી પાટા પરથી દૂર કરી હતી. પરંતુ મહિલાઓની ફાટક ખોલવાની માંગ હજુ પૂર્ણ ન થતા આજે ફરી આ વિસ્તારની મહિલાઓએ ફ્લાયઓવરના રસ્તા આડે બેસીને રસ્તો બંધ કરી દેતા બંને બાજુ વાહનોનો ચક્કાજામ થઈ ગયો.
જેની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી મહિલાઓને રસ્તા પરથી દૂર ખસેડી ટ્રાફિકજામ દૂર કરાવી રસ્તો પૂર્વવત કર્યો હતો. અને રસ્તો બંધ કરીને બેસેલ મહિલાઓની અટકાયત કરી સીટી પોલીસ સ્ટેશને લાવી તેઓ પર ટ્રાફિકને અડચણરૂપ થઈને રોડ પર બેસી વાહન વ્યવહારને પ્રભાવિત કરવાની કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
