<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

ધ્રોલના ‘મેગાજામ' સામે નેતાઓ મેદાનમાં: ટ્રાફિક સમસ્‍યાના ઉકેલ માટે વૈકલ્‍પિક રોડનો સૂઝાવ

વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્‍યાના ઉકેલ માટે રેલવે સ્‍ટેશન-માણેકપર રોડ રીપેરીંગનો સૂઝાવ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૪: ધ્રોલ જામનગર-રાજકોટ હાઈવે પર આવેલું ધ્રોલ શહેર છેલ્લા ઘણા દિવસોથી ગંભીર ટ્રાફિક સમસ્‍યાની ઝપેટમાં છે, જેના કારણે સ્‍થાનિકોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે. કચ્‍છ, આમરણ, કંડલા સહિતના નેશનલ હાઇવેના ભારે વાહનોની જાંબુડાથી ભાદરા રોડ પરની અવરજવર બંધ કરી દેવાતા, સમગ્ર હાઈવેનો ટ્રાફિક ભાર ફરજિયાતપણે ધ્રોલ શહેરના મુખ્‍ય માર્ગો પર આવી પડ્‍યો છે. આ અચાનક આવેલા ભારણને કારણે શહેરમાં વારંવાર ‘મેગાજામ'ની સ્‍થિતિ સર્જાય છે.

શહેરના હૃદય સમાન ત્રિકોણથી શરૂ કરીને ગાંધીચોક અને લતીપર ચોકડી સુધીનો આશરે ૨ કિલોમીટરનો મુખ્‍ય પટ્ટો દરરોજ સાંજે ભયંકર ટ્રાફિક જામનો અનુભવ કરે છે. સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર, દરરોજ સાંજે ૮:૦૦ વાગ્‍યે ‘નો-એન્‍ટ્રી' ખુલતાની સાથે જ ભારે વાહનોની એકસાથે એન્‍ટ્રી થાય છે, જેના પરિણામે ત્રણ-ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો સર્જાય છે. શહેરના મુખ્‍ય રસ્‍તાઓ એક કલાકથી વધુ સમય માટે સંપૂર્ણપણે બ્‍લોક જેવી સ્‍થિતિમાં ફેરવાઈ જાય છે. સ્‍થાનિક વેપારીઓ અને શહેરીજનો આ પરિસ્‍થિતિથી ત્રસ્‍ત છે, અને તંત્રની નિષ્‍ક્રિયતા સામે ભારે રોષ વ્‍યક્‍ત કરી રહ્યા છે.

ભાદરા-જાંબુડા વચ્‍ચેના માર્ગનું કાર્ય હજુ આશરે દોઢથી બે વર્ષ સુધી ચાલુ રહેવાની સંભાવના હોવાથી, આટલા લાંબા સમય સુધી શહેરના માર્ગો પર આટલો ભારે ટ્રાફિકનો ભાર સહન કરવો અશકય છે. આ સમસ્‍યાના કાયમી ઉકેલ અને વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા માટે ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાની આગેવાનીમાં ધ્રોલ નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, અને અન્‍ય રાજકીય-સામાજિક આગેવાનોએ ધ્રોલના મદદનીશ કલેકટર સ્‍વપિ્નલ સિસેલ (I.S.I.) સમક્ષ તાત્‍કાલિક ધોરણે રજૂઆત કરી હતી.

આગેવાનોએ વહીવટી તંત્રને અપીલ કરી છે કે, કાયમી બાયપાસ ન બને ત્‍યાં સુધી જુના ધ્રોલના રેલવે સ્‍ટેશનથી માણેકપર રોડ સુધીના રસ્‍તાને વ્‍યવસ્‍થિત રીપેર કરીને ટ્રાફિક માટે ખોલી આપવામાં આવે. આ કામચલાઉ વૈકલ્‍પિક માર્ગ ભારે વાહનોને શહેરના અંદરના માર્ગો પર આવતા અટકાવશે અને ધ્રોલની જનતાને આ રોજિંદા ‘મેગાજામ'માંથી મુક્‍તિ મળશે.

ધ્રોલની જનતાની માંગને પગલે ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાની આગેવાનીમાં ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિનુભાઈ વાધેલા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેન કોટેચા, ધ્રોલ તાલુકા પૂર્વ પ્રમુખ નવલભાઈ મુંગરા, જોડીયા તાલુકા પૂર્વ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, ધ્રોલ શહેર ઉપપ્રમુખ છેણાભાઈ વરુ, ધ્રોલ શહેર મહામંત્રી ઋતુલ ગડારા, સંજયસિંહ જાડેજા, ફિરોઝભાઈ, મહેશભાઈ ગડારા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ ધ્રોલના મદદનીશ કલેકટર સ્‍વપિ્નલ સિસેલ (I.S.I.) સમક્ષ તાત્‍કાલિક ધોરણે રજૂઆત કરી હતી. આગેવાનોએ વહીવટી તંત્રને આ સમસ્‍યાના કાયમી નિરાકરણ માટે અને વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ગોઠવવા ભારપૂર્વક અપીલ કરી છે, જેથી શહેરના લોકોને આ રોજિંદા ‘મેગાજામ'માંથી મુક્‍તિ મળી શકે

(1:19 PM IST)