<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ૐ નમોઃ નારાયણ...શ્રી મહાકાળી આશ્રમ ચરાડવાથી દ્વારકા સુધી સંકલ્‍પ સિધ્‍ધ પદયાત્રા

પ.પૂ.ગુરૂવર્ય સંત શ્રી દયાનંદગિરીજી મહારાજની પ્રેરણાથી પ.પૂ. મહંત શ્રી અમરગિરી બાપુના સાનિધ્‍યમાં આયોજન : ૭ ડિસેમ્‍બર રવિવારે સવારે ૫ વાગે નિજ આશ્રમેથી પદયાત્રાનો પ્રારંભ થશે, ૧૫ ડીસેમ્‍બરે ભગવાન દ્વારકાધીશજીની પૂજાવિધિ

રાજકોટઃ મોરબી-ટંકારા હાઈવે ઉપર ચરાડવા ખાતે આવેલ સુપ્રસિધ્‍ધ એવા શ્રી મહાકાળી આશ્રમ દ્વારા સંકલ્‍પ સિધ્‍ધ પદયાત્રાનું આયોજન થયું છે. શ્રી મહાકાળી આશ્રમ થી દ્વારકા સુધી પદયાત્રા યોજાશે.

પરમ પૂજ્‍ય ગુરૂવર્ય સંત શ્રી દયાનંદગિરીજી મહારાજની પ્રેરણાથી આગામી તા.૭ ડીસેમ્‍બરના રવિવારના રોજ સવારે ૫ વાગે શ્રી મહાકાળી આશ્રમેથી સંકલ્‍પ સિધ્‍ધ પદયાત્રાનો શુભારંભ થશે. જે ૧૫ ડીસેમ્‍બરના રોજ દ્વારકા પહોંચશે. આ પદયાત્રાના સમાપન બાદ ભગવાન દ્વારકાધીશની પૂજાવિધિ રાખવામાં આવેલ છે.

આ શુભ પ્રસંગે સર્વે ભક્‍તોને જોડાવવા શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા ના પ.પૂ.મહંત શ્રી અમરગિરીબાપુ દ્વારા આમંત્રણ અપાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પણ દરરોજ વિવિધ પ્રસંગોની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્‍યામાં ભાવિકોએ સંગીતમય કથામૃતનો લાભ લીધો હતો.

સંકલ્‍પ સિધ્‍ધ પદયાત્રામાં જોડાનાર સર્વે ભક્‍તજનોને મહાકાળી આશ્રમ તરફથી જણાવાયું છે કે પોતાના જરૂરી સામાન સાથે ઓઢવાનું અચૂક સાથે લઈ લેવું. અને પેક કરીને તેના ઉપર પોતાનું નામ લખવું ફરજિયાત છે. આવતીકાલે તા.૬ ડિસેમ્‍બરના રોજ સામાન આશ્રમે પહોંચાડી દેવા પૂ.મહંત શ્રી અમરગીરી બાપુએ જણાવ્‍યું છે.  સ્‍થળઃ પૂ. મહાકાળી આશ્રમ, મુ.ચરાડવા ચરાડવા-દેવળીયાના માર્ગે મહાકાળી આશ્રમ, (રાજકોટથી મોરબી અને મોરબી થી હળવદ જતા રસ્‍તામાં આવે છે) (૪૦.૧૯)

(10:07 AM IST)