<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

પુર્વ પત્‍નિને પરત મેળવવા છુટાછેડા થયા બાદ નવા પતિની હત્‍યાના ગુનામાં પુર્વ પતિને આજીવન કેદ

જસદણના પ્રતાપપુર ગામે થયેલ હત્‍યાના કેસમાં રાજકોટની અધિક સેસન્‍સ કોર્ટનો ચુકાદો : છુટાછેડા બાદ પત્‍નિએ બીજા લગ્ન કરતાં પોતાની પત્‍નિને ફરી પામવા નવા પતિની ઉપરા છાપરી છરીના ઘા મારીને જુના પતિએ ઘાતકી હત્‍યા કરી હતીઃ સરકારપક્ષે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાની સફળ રજુઆત સ્‍વીકારી કોર્ટે સજા ફરમાવી

રાજકોટ, તા., પઃ જસદણ તાલુકાના પ્રતાપપુર ગામે પોતાની જુની પત્‍નિ સાથે લગ્ન કરનાર કમલેશ મોહનભાઈ ચાવડાની ઘાતકી હત્‍યા કરનાર આરોપી યશવંત મહેશભાઈ મકવાણાને હત્‍યાના ગુના સબબ તકસીરવાન ઠરાવી અધિક સેશન્‍સ જજ શ્રી આઈ.બી. પઠાણે આજીવન કેદની સજા અને રૂા. ૧૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

આ કેસની હકિક્‍ત એવા પ્રકારની છે કે, આરોપીએ પોતાના પત્‍નિને બનાવના દોઢક માસ પહેલા છુટાછેડા આપેલા હતા. ત્‍યારબાદ આરોપીની પત્‍નિએ મરણજનાર કમલેશભાઈ મોહનભાઈ ચાવડા સાથે તા.૧૫/૦૮/૨૦૨૨ ના રોજ લગ્ન કરી લીધેલા હતા. આ લગ્નથી આરોપીને સારૂ ન લાગતા અને પોતાની પત્‍નિને પરત લઈ આવવા માગતા આરોપીએ મરણજનાર કમલેશભાઈની હત્‍યા કરવાનુ નક્કી કરેલ. તા.૧૬/૦૮/૨૦રર ના રોજ મોડી રાત્રીના સમયે આરોપી યશવંત મરણજનાર કમલેશ ચાવડાના ઘરે આવેલ અને તેને બહાર બોલાવી મકાનના નવેરામા ઉપરાછાપરી છરીઓના ઘા કરી તેનુ મળત્‍યુ નિપજાવેલ હતુ. આ સમયે કમલેશે રાડારાડ અને દેકારો કરતા કમલેશના ભાઈ અને બનેવી દોડી આવેલા હતા અને બનેએ હત્‍યાનો બનાવ નજરોનજર જોયેલો હતો. આ બાબતે કમલેશના ભાઈ વિનોદભાઈ ચાવડાએ ફરીયાદ નોંધાવેલ અને પોલીસ તપાસના અતે આરોપી યશવંત સામે ચાર્જશીટ રજુ કરેલુ હતુ.

આ કેસમા પ્રોસીકયુશન તરફે પુરાવો પુરો થતા આરોપી તરફે રજુઆત કરવામા આવેલ હતી કે, ફરીયાદ પક્ષે મરણજનારના મોત અંગે આરોપી વિરૂધ્‍ધ પુરતો પુરાવો લાવવામાં આવેલ નથી અને બનાવ નજરે જોનાર બને કુટુબીજનોમાથી ફકત એક ને જ સાક્ષી બનાવેલ છે. આ કેસમા ૨૨ સાક્ષીઓના નિવેદનો હોવા છતા ફક્‍ત ૮ સાક્ષીઓની જ જુબાની લેવાયેલ છે. આ ઉપરાત સાહેદોના નિવેદનોમા બનાવની ઘટનાને જે ક્રમમા દર્શાવવામાં આવેલ છે તેનાથી જુદા ક્રમમા જુબાની દરમ્‍યાન બનાવની ઘટના જણાવવામા આવેલ છે. આ સંજોગોમા આરોપીને શકાનો લાભ આપી છોડી મુકવો જોઈએ.

શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, કોઈ પ્રસંગના ઘટનાક્રમને જુદા જુદા સમયે એક વ્‍યકિત ઉચ્‍ચારે તો પણ આવા ઘટનાક્રમના વર્ણનમા ફેર આવવો કુદરતી છે. કોર્ટમાં જયારે સાહેદની જુબાની નોધાતી હોય ત્‍યારે આ સાહેદની સ્‍મરણશકિત કે બુધ્‍ધિમતાની પરીક્ષા નથી હોતી. કાયદાની જરૂરીયાત ફકત તેટલી જ છે કે ઘટનાક્રમની મહત્‍વની ઘટનાનો જુબાની દરમ્‍યાન ઉલ્લેખ થાય છે. આ ઉપરાત આરોપીના કપડા ઉપર મરણજનારના લોહીના ડાઘાઓ મળી આવેલ છે ત્‍યારે આરોપીએ આ અગે કોઈ જ ખુલાસો કરેલ નથી. તે જ રીતે મરણજનારના ભાઈએ ફરિયાદ આપેલ છે તે ફરીયાદ હાલના આરોપી વિરૂધ્‍ધ કયા કારણોસર ખોટી આપેલ છે તે અંગે કોઈ જ કારણ દર્શાવેલ નથી.

નજરે જોનાર સાક્ષીએ જુબાની દરમ્‍યાન એક ચોકકસ વર્ણન કરેલ હોય ત્‍યારે આરોપીએ જાતે જુબાની આપી સાહેદની જુબાની ન માનવાના કારણો દર્શાવવા જોઈએ. પોતાને નિર્દોષ સાબિત કરવા માટે આ ત્રણ મહત્‍વના પરીબળોમાથી આરોપી કોઈ એક પણ પરીબળનુ ખંડન કરી શકેલ નથી ત્‍યારે આરોપી સામેનો ગુન્‍હો પુરવાર માનવાનો રહે છે. શ્રી સરકાર તરફેની આ રજુઆતોને અતે અધિક સેશન્‍સ જજશ્રી આઈ.બી. પઠાણે આરોપી યશવત ઉર્ફે અશ્વિન મહેશભાઈ મકવાણા, ઉ.વ.૪૦, રહે. વડીયા મફતીયા પરા, અમરનગર રોડ, તા.વડીયા, જિ. અમરેલી નાઓને મરણજનાર કમલેશભાઈ મોહનભાઈ ચાવડાની હત્‍યા બદલ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.૧૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે. આ કેસમા શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.

(11:54 AM IST)