<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

સુરેન્‍દ્રનગર જિલ્લાના બંધ કરવામાં આવેલા વધુ ત્રણ પુલોના કામ અને નવીનીકરણના કામ માટેની મંજુરી

સુરેન્‍દ્રનગરના આદલસર નર્મદા કેનાલ ઉપર જર્જરિત બની ગયેલા પુલને ત્રણ કરોડના ખર્ચે નવીનીકરણઃ લખતર થી કેસરિયા અને લખતર થી વણા તરફ જતા પુલના રિનોવેશન પાછળ ૧.૫૦ કરોડનો કરવામાં આવશે ખર્ચ..

(ફારૂક ચૌહાણ) સુરેન્‍દ્રનગર, તા. પઃ  વડોદરા બ્રિજ તૂટવાની ઘટના બન્‍યા બાદ સુરેન્‍દ્રનગર જિલ્લાના ૩૦૦ થી વધુ પુલોનું ટેસ્‍ટિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું જેમાં સુરેન્‍દ્રનગર જિલ્લાના ૧૩ જેટલા પુલો અત્‍યંત જર્જરિત હાલતમાં બની ગયા હોવાનું સામે આવતા તંત્ર દ્વારા ૧૩ જેટલા પુલો બંધ કરવામાં આવ્‍યા હતા કોઈપણ પ્રકારની મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્‍યો હતો પરંતુ હવે આ પુલોનું સમારકામ અને નવીનીકરણનું કામ તંત્ર દ્વારા શરૂ કરવાનો નિર્ણય કરવાનો છે.

ત્‍યારે સુરેન્‍દ્રનગરના દુધરેજ નજીક બંધ કરવામાં આવેલ પુલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને તેનું નવીનીકરણનું કામ ૮૦ ટકા જેટલું પૂર્ણ કરવામાં આવ્‍યું છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાની આદલસર નર્મદા કેનાલ ઉપર આવેલા પુલ અત્‍યંત જર્જરીત હાલતમાં બની ગયા હોવાના કારણે તેને નવીનીકરણની અત્‍યંત જરૂર હતી નર્મદા વિભાગ દ્વારા નિર્ણય કરી અને તેની ફાઈલ તંત્રને સોંપવામાં આવી હતી જેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે ૩ કરોડ રૂપિયાના ખર્ચે આ પુલનું નવીનીકરણનું કામ શરૂ કરવા માટે સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત નર્મદા કેનાલ ઉપર આવેલ લખતરના કેસરિયા ગામનો પુલ અને લખતરના વણા તરફ જતા નર્મદા કેનાલ ઉપર આવતા પુલ નું નવીનીકરણનું કામ હાથ ધરવા માટેની પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે જેની પાછળ તંત્ર દ્વારા ૧.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની મંજૂરી આપી છે ટૂંક સમયમાં ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને નવીનીકરણ અને સમારકામ કરવાના કામો શરૂ કરવા અંગેની તૈયારી નર્મદા વિભાગ દ્વારા દેખાડવામાં આવી છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાના વધુ ૩ જેટલા પુલોનું પ્રાથમિક તબક્કામાં સમારકામ અને નવીનીકરણના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે નર્મદા વિભાગ દ્વારા નિર્ણય કરી અને આ કામો ટૂંક સમયમાં ટેન્‍ડર પ્રક્રિયા કરી અને શરૂ કરવાની તૈયારી હાલ દેખાડવામાં આવી રહી છે દુધરેજ નર્મદા કેનાલ નો પુલ હજુ પણ ૧૫ દિવસ બાદ શરૂ કરવાની તૈયારી પણ તંત્રએ દેખાડી છે ત્‍યારે જર્જરીત પુલોના કામોમાં સ્‍મારકામ અને નવીનીકરણના કામો હવે તંત્ર દ્વારા પૂરજોશમાં શરૂ કરવામાં આવ્‍યા છે.

(12:51 PM IST)