News of Friday, 5th December 2025
દરિયાઇ માછીમારી ઉદ્યોગ ઇંધણના વધતા ભાવોના લીધે સંકટમાં: પોરબંદર માછીમાર બોટ એસો.
ડીઝલમાં રૂ.૧૦થી ૧૨ રાહત આપોઃ કુદરતી આફતમાં બોટ સંપૂર્ણ નષ્ટ થવાના કિસ્સામાં ૧૦ લાખ સુધીની સહાય આપવા માંગ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૫: દરિયાઇ માછીમારી ઉદ્યોગને જીવંત રાખવા ઉદભવતા અનેક પ્રશ્નો અંગે પોરબંદર માછીમાર બોટ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરવામાં આવી હતી.
પોરબંદર માછીમાર બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઇ પાંજરીએ જણાવ્યું હતું કે, દરિયાઈ માછીમારી ઉદ્યોગ આજની તારીખે ઈંધણનાં ભાવને કારણે ભારે સંકટમાં છે. ડીઝલનાં વધતા દરો અને મર્યાદિત વેટ રાહતને કારણે આ ઉદ્યોગ હવે જીવંત રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. હાલની વેટ રાહત પ્રશંસનીય છે. પરંતુ પૂરતી નથી. સરકારશ્રીએ આગામી પાંચ વર્ષ માટે વિશેષ પેકેજ જાહેર કરે, જેમાં હાલની વેટ રાહત ઉપરાંત પ્રતિ લિટર રૂ. ૧૦/- થી રૂ. ૧૨/- સુધી ની વધારાની રાહત આપવામાં આવે. આ નિતિ અમલમાં આવે તો અમો ખાતરીપૂર્વક કહી શકીએ કે દરિયાઈ માછીમારી ઉદ્યોગ ફરી ધમધમતો બની જશે અને હજારો પરિવારોને રોજગાર સુરક્ષા મળશે. આ યોજના માટે અન્ય સહાય યોજનાઓમાંથી પણ ફંડને પુનઃવ્યવસ્થિત કરીને ઉપયોગમાં લેવાય તો પણ આ માછીમારી ઉદ્યોગ માટે એક જીવન સંજીવની સાબિત થશે.
દર વર્ષે તોફાનો, વાવાઝોડાં અને કુદરતી આફતો દરમિયાન અનેક બોટો સંપૂર્ણ પણે નષ્ટ થઈ જાય છે. હાલ રાજ્યમાં એવી કોઈ નોંધપાત્ર સહાયની જોગવાઈ નથી, જેના કારણે માછીમારો પર આર્થિક આફત તૂટી પડે છે. અગામી વર્ષ માટે વિનંતી છે કે, નવી યોજના રૂપે 'ટોટલ લોસ બોટ સહાય યોજના' અમલમાં આવે, જેમાં કુદરતી આફતમાં બોટ સંપૂર્ણ નષ્ટ થવાના કિસ્સામાં રૂ. ૧૦,૦૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે. આ નિતિ અમલમાં આવે તો ઉદ્યોગમાં વિશ્વાસ વધશે અને માછીમારોની હિંમત જળવાશે.
ચોમાસાની બંધ સિઝન દરમિયાન તમામ બોટો બંધ રહે છે, જેના કારણે બોટ માલિક અને તેમાં જોડાયેલા ક્રૂ સભ્યોને રોજગાર મળતો નથી. આ સમયગાળા દરમિયાન કોઈ આવક ન હોવાથી તેઓને જીવનનિર્વાહની મુશ્કેલી ઊભી થાય છે. દેશના અનેક રાજ્યોમાં આ માટે નિર્વાહ ભથ્થું આપવામાં આવે છે. તેના ધોરણે ગુજરાત રાજ્યમાં પણ આ યોજના અમલમાં આવે, જેથી માછીમારોને આર્થિક સહાય મળી રહે અને તેઓ ચોમાસા બાદ નવી ઉર્જા સાથે કામ શરૂ કરી શકે.
હાલ રાજ્ય સરકાર દ્વારા ફિશિંગ બોટમાં મરીન એન્જીન બદલાવા માટે ૨૫% સહાય આપવામાં આવે છે. પરંતુ આજના બજારનાં ભાવ અને બોટનાં માપ સાઈઝ ને જોતા આ સહાય દર ખૂબ ઓછો છે. અમારો વિનંતીભર્યો પ્રસ્તાવ છે કે, આ સહાયનો દર ૫૦% સુધી વધારવામાં આવે અને દર પાંચ વર્ષે આની સમીક્ષા કરવામાં આવે, જેથી બોટ માલિકો નવી ટેકનોલોજી અપનાવી શકે અને એન્જીનની કાર્યક્ષમતા વધારી શકે. આ પગલાથી બોટોની સલામતી, ઇંધણ બચત અને માછીમારીની ઉપજ ત્રણેય ક્ષેત્રમાં સુધારો થશે
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
