News of Saturday, 6th December 2025
પોરબંદર અને બગવદર ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો ભવ્ય લોક દરબાર
ભાજપ કાર્યાલય તથા બગવદર ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજનઃ પોરબંદર વિધાનસભા વિસ્તારના નાગરિકોને ખુલ્લા મને પ્રશ્નો રજુ કરવા અપીલઃ પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ માટે તંત્રને અપાશે સુચના

(પરેશ પોરખ દ્વારા) પોરબંદર તા.૬: પોરબંદરના પનોતા પુત્ર, રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા હંમેશા પ્રજાના પ્રશ્નો માટે જાગૃત રહ્યા છે. જનતા સાથે સીધો સંવાદ સાધવા અને તેમના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે આગામી શનિવારના રોજ પોરબંદર અને બગવદર ખાતે એક વિશેષ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી એ યાદીમાં જણાવ્યું છે કે, લોકશાહીમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ જ સાચા જનપ્રતિનિધિનું કર્તવ્ય છે.આ ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહીને લોકોની રજુઆતો સાંભળશે.
બગવદર ખાતે સાંજે ૫:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. બગવદર ગ્રામ પંચાયતની કચેરી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સરળતાથી ભાગ લઈ શકશે.
પોરબંદર વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેમને સ્પર્શતા કોઈપણ વ્યક્તિગત કે સામુદાયિક પ્રશ્નો હોય, તો તેઓ નિઃ સંકોચપણે આ લોક દરબારમાં રજુ કરી શકે છે. મંત્રી ખુદ લોકોની વચ્ચે બેસીને તેમની સમસ્યાઓ સાંભળશે.
આ લોક દરબારમાં નાનામાં નાના માણસનો અવાજ સાંભળવામાં આવશે. ગ્રામ્ય સ્તરના વિકાસના કામો હોય કે અન્ય કોઈ વહીવટી મુશ્કેલીઓ, તમામ રજુઆતોને અહીં સ્થાન આપવામાં આવશે. તેથી, પોરબંદર વિધાનસભા વિસ્તારના તમામ જાગૃત નાગરિકોને સમયસર ભાજપ કાર્યાલય તથા બગવદર ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આમ, શનિવારની સવારે અને સાંજે યોજાનાર આ લોક દરબાર પ્રજા અને સરકાર વચ્ચેના સેતુ સમાન બની રહેશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
