<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

સુરેન્દ્રનગરની ભોગાવો નદી હાલ કચરા અને કેમિકલનો કારણે પ્રદૂષિત બની: તંત્ર નિંદ્રાધીન :લોકોમાં નારાજગી

નદીમાં ઠેર ઠેર ઉંચા ઘાસ, બાવળ અને વેલ ઉગી નિકળ્યાં : તંત્ર દ્વારા તાત્કાલિક નદીની સાફસફાઇ કરવામાં આવે તેવી માંગ ઉઠી

સુરેન્દ્રનગરના મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદી એ સુરેન્દ્રનગરની ઓળખ છે. પણ આ લોકમાતાની જાણે કોઇને પડી જ ના હોય તેવો ઘાટ સર્જાયો છે. ભોગાવો નદી હાલ કચરા અને કેમિકલનો કારણે પ્રદૂષિત બની છે અને તંત્રને આની કંઇ પડી જ નથી. પર્યાવરણ પ્રેમીઓ અને જાગૃત નાગરિકો તેને લઇને હવે રોષે ભરાયા છે. 

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી ભોગાવો નદી પસાર થાય છે અને આ ભોગાવો નદીના એક તરફ સુરેન્દ્રનગર અને બીજી તરફ જોરાવરનગર અને રતનપર આવેલા છે. નદીમાં ગંદકી અને કચરાના ઢગલા એટલા વધી ગયા છે કે સમગ્ર નદીમાં પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. નદીમાં ઠેર ઠેર ઉંચા ઘાસ, બાવળ અને વેલ ઉગી નિકળ્યાં છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક નદીની સાફસફાઇ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. 

સુરેન્દ્રનગર મહાનગપાલિકા તંત્ર દ્વારા જ ગટરનું ગંદુ પાણી ભોગાવો નદીમાં ઠાલવવામાં આવતું હોવાની ચર્ચા પણ તેજ બની છે અને આ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે. ભોગાવો નદીના કાંઠે રિવરફ્રન્ટ તો બનાવી દેવાયો છે પણ ગંદકીના કારણે લોકોનું ત્યાં ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. 

 

(2:39 PM IST)