News of Saturday, 6th December 2025
મુન્દ્રા પોર્ટ ઉપરથી એક કરોડની ફોરેનની સિગારેટ ઝડપાઈ : સ્મગલિંગનો જથ્થો સીઝ
ખોટા ડેકલેરેશન સાથે દુબઈથી મોકલાયેલ કન્ટેઈનર અમદાવાદના ઈમ્પોર્ટરે મંગાવ્યુ હતુઃ કસ્ટમ સુપ્રીન્ટેન્ડેન્ટ નિલેશ સોમૈયા તથા ઈન્સ્પેકટર અરવિંદ પાલ દ્વારા સફળ કાર્યવાહી

રાજકોટ તા.૦૬ : કચ્છનાં મુન્દ્રા પોર્ટ ઉપરથી ગઈકાલે મોડીરાત્રે અંદાજે એક કરોડ દસ લાખ રૂપિયાની ફોરેનની સિગારેટનો જંગી જથ્થો ઝડપાયાનું જાણવા મળે છે. આ તમામ જથ્થો ગેરકાયદેસર અને સ્મગલિંગનો હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ જેબલઅલી પોર્ટ (યુએઈ) થી અમદાવાદનાં એક ઈમ્પોર્ટરનાં નામે એક કન્ટેઈનર મોકલવામાં આવ્યું હતું, જે ગઈકાલે મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચ્યું હતું. કસ્ટમ સુપ્રીન્ટેન્ડેન્ટ શ્રી નિલેશ સોમૈયા તથા ઈન્સ્પેકટર શ્રી અરવિંદ પાલ દ્વારા કરવામાં આવેલ ચેકિંગ દરમ્યાન તથા સીસીટીવી હેઠળ કન્ટેઈનર ખોલવામાં આવતા તેમાંથી ગેરકાયદેસર સ્મગલિંગ સાથે આવેલ ફોરેનની સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો, જે તુરત જ સીઝ કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલ કન્ટેઈનર ખોટા ડેકલેરેશન સાથે મોકલવામાં આવેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
