<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

આટકોટ-જસદણ વચ્ચે અકસ્માત:જૈન મહાસતીજી કાળધર્મ પામ્યા

સુરત વિસ્તારમાંથી 19 જેટલા મહાસતીજીઓ વિહાર કરી જુનાગઢ જતા હતા જસદણ રાત્રી રોકાણ કરી વહેલી સવારે આટકોટ-જસદણ વચ્ચે સામેથી આવતા ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતા એક મહાસતીજી કાળધર્મ પામ્યા બે મહાસતીજીને ઈજા:ટ્રેક્ટરની ટ્રોલી પાછળ કાર અથડાતા કારમાં સવાર બે વ્યકિતને ઈજા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.9 : રાજકોટ જિલ્લાના જસદણ આટકોટ રોડ વચ્ચે આજે વહેલી સવારે સુરત પાસેથી જુનાગઢ વિહાર કરી જતા જૈન મહાસતીજીના સંઘને સામેથી આવતા ટ્રેક્ટરે હડફેટે લેતા એક મહાસતીજી ઘટના સ્થળે જ કાળધર્મ પામ્યા હતા તેમજ બે મહાસતાજીને ગંભીર ઇજા થતાં આટકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત બાદ બંધ પડેલ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ થોડી વાર પછી કાર અથડાતા કારમાં સવાર બે લોકોને પણ ઈજા થઈ છે.

આ અંગે પ્રાપ્ત વિઞતો મુજબ જસદણ આટકોટ રોડ ઉપર વહેલી સવારે 6:30 વાગ્યા આસપાસ 19 જેટલા જૈન સમાજના મહાસતીજીઓ જસદણ રાત્રી રોકાણ કર્યા બાદ જુનાગઢ જવા નીકળ્યા હતા. 

આ દરમિયાન સામેથી મગફળીની બોરી ભરી આવતા ટ્રેક્ટર ચાલકે મહાસતીજીને હડફેટે લેતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું અને મગફળીની બોરી મહાસતીજી ઉપર પડતા શ્રુતનિધિ મહાસતીજી ઘટના સ્થળે જ કાળ ધર્મ પામ્યા હતા જ્યારે ધર્મપ્રજ્ઞા મહાસતીજી અને શ્રુતવૃદ્ધ મહાસતીજી ઇજાગ્રસ્ત થયા હતા જેમને આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના બાદ બંધ પડેલ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ આટકોટ તરફથી આવતી એક કાર પણ ધડાકાભેર અથડાઈ પડતા તેમાં સવાર બે લોકોને ફેક્ચર થયા છે.

વહેલી સવારે બનેલ આ ઘટના બાદ મહાસતીજીની બચાવો બચાવોની બૂમાબૂમથી આજુબાજુમાં રહેલા લોકો અને રસ્તે જતા વાહનચાલકો બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. 

મહાસતીજીનનો આ સંઘે જસદણના સુગરભાઈ સાકરીયાને ત્યાં રાત્રી મુકામ કર્યો હતો ત્યાંથી વહેલી સવારે આ બધા વિહાર કરી આગળ નીકળ્યા એ દરમિયાન આ ઘટના બનતા સુગરભાઈ સાકરીયાને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી આ ઉપરાંત નરેશભાઈ દરેડ સહિતના સેવાભાવી લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.

આ બનાવની વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.

(10:55 AM IST)