<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

પોરબંદરમાં ઉદ્યોગનગર ફાટક પાસે ગોડાઉનમાં ફાયર સેફ્ટીની બોટલમાં બ્લાસ્ટ :આધેડનું ઘટનાસ્થળે મોત

ઉદ્યોગનગર ફાટક પાસે હરિસિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ગોડાઉનમાં એક વિચિત્ર અને ગંભીર દુર્ઘટના

પોરબંદરના ઉદ્યોગનગર ફાટક પાસે આવેલી હરિસિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ગોડાઉનમાં એક વિચિત્ર અને ગંભીર દુર્ઘટના બની છે. અહીં ફાયર સેફ્ટીની બોટલમાં અચાનક બ્લાસ્ટ થતાં એક આધેડ વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટના બોટલની સાફ-સફાઇ ચાલી રહી હતી તે દરમિયાન બની હતી. બ્લાસ્ટમાં 55 વર્ષીય મહેન્દ્રભાઈ મકવાણા નામના આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતક મહેન્દ્રભાઈ આ ગોડાઉનમાં છૂટક સાફ-સફાઇના કામ માટે આવતા હતા. પરિવારજનોએ તેમના આર્થિક સ્તંભ ગુમાવ્યો છે. આ અકસ્માતને પગલે ઉદ્યોગનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કે બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ શું હતું.

 

 

(11:22 PM IST)