<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ગોંડલની મધ્‍યમાં રહેલી વર્ષો જુની ઝુંપડપટ્ટી હટાવાઇઃ આઠ હજાર સ્‍કેરમીટર જગ્‍યા ખૂલ્લી

રેવન્‍યુ ક્‍વાર્ટર બનશેઃ દબાણ હટાવવામાં વહાલા દવલાનો ગૌસેવકનો આક્ષેપ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૦: ગોંડલ શહેર ની મધ્‍યમાં એમ.બી.કોલેજની બાજુમાં આવેલી તાલુકાનાં પટ તરીકે ઓળખાતી જગ્‍પા પર વહીવટી તંત્ર દ્વારા સવારે ડીમોલેશન કરી ત્‍યાં વરસોથી રહેલા અંદાજે દોઢસો જેટલા ઝુંપડા હટાવી દેવાયા હતા.નગરપાલિકા તંત્ર દ્વારા વરસોથી ખડકાયેલી ઝુપડ્‍પટ્ટી પર બુલડોઝર ફેરવી અંદાજે આઠ હજાર સ્‍કેરમીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ હતી.આ જમીન પર આગામી સમય માં રેવન્‍યુ વિભાગ નાં કર્મચારીઓ નાં ક્‍વાર્ટર બનશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. શહેરનાં ભુવનેશ્વરી મંદિર નજીક કોલેજને અડીને સરકારી જમીન પર વરસોથી ઝુંપડપટ્ટી ખડકાયેલી છે.આ જગ્‍યા પહેલા નગરપાલિકા હસ્‍તક હતી.બાદમાં ડેપ્‍યુટી કલેક્‍ટર હસ્‍તક આ જમીન ચાલી જતા અહી સરકારી ક્‍વાર્ટર બનાવવા દરખાસ્‍ત કરાઇ હોય જે મંજુર થતા કલેક્‍ટર દ્વારા દબાણ હટાવવા આદેશ કરાયા હતા. ઝુપડાધારકો ને બે મહીના અગાઉ ઝુપડા હટાવવા નોટીસ અપાઇ હતી.પણ ઝુપડપટ્ટી નહી હટતા આજે ડીમોલેશન કરાયું હતુ.

દરમ્‍યાન નજીકમાં આવેલી જુની હોમગાર્ડ ઓફિસને અડીને   આવેલી રામગરબાપુ ગૌશાળામાં બહાર પડેલો પાલો અને ઘાસચારો તુરંત હટાવી લેવા તંત્ર દ્વારા તાકીદ કરાતા ગૌસેવકોમાં રોષ ફેલાયો હતો.રામગરબાપુ ગૌ સેવા ટ્રસ્‍ટનાં જયકરભાઇએ જણાવ્‍યું કે આ જગ્‍યામાં પાકા બાંધકામ કરી અનેક દબાણ કરાયા છે. તે હટાવવાની હિંમત તંત્ર ધરાવતું નથી અને ગૌધનનો ચારો કે ઘાસ તંત્રને નડતર રુપ થાય છે. આમ તંત્ર દ્વારા દબાણ હટાવવામાં વહાલા દવલાની નીતિ રખાતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો

(11:34 AM IST)