તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
કર્તવ્યનિષ્ઠાનું બહુમાન: જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે શ્રેષ્ઠ કામગીરી કરનાર BLOsને નગરજનો સમક્ષ 'હીરો' તરીકે સન્માનિત કર્યા
રણમલ તળાવ ખાતે ફોટોગ્રાફ સાથેની સ્ટેન્ડીઝ તથા શહેરના વિવિધ વિસ્તારોમાં વીડિયો ડિસ્પ્લે પર BLOs ને પ્રદર્શિત કરી કામગીરીને અનોખી રીતે બિરદાવાઈ: તમામ BLO એ પણ આ પ્રકારના વિશેષ બહુમાન બદલ કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી તંત્રનો સહર્ષ આભાર વ્યક્ત કર્યો

જામનગર જિલ્લામાં સઘન મતદાર સુધારણા કાર્યક્રમ (SIR) અન્વયે બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદાર સુધારણાની કામગીરી ઝડપભેર અને સુવ્યવસ્થિત ચાલી રહી છે. ત્યારે આ BLOsનું મનોબળ વધે અને તેઓને યોગ્ય પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે એક નવતર અને પ્રેરક અભિગમ અપનાવ્યો છે.
કલેક્ટરએ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા મત વિસ્તારોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિસ્તાર દીઠ બે મળી કુલ ૧૧ BLOs તથા ૫ BLO સુપરવાઇઝર્સને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ બોલાવી તેઓની કર્મનિષ્ઠાને બિરદાવી સન્માનિત કર્યા હતા. કલેક્ટરએ આ તકે BLOs પાસેથી કામગીરીના અભિપ્રાયો પણ જાણ્યા હતા, સાથે જ કામગીરી દરમિયાન આવતા પડકારો અંગે પણ વિસ્તૃત માહિતી મેળવી હતી અને કઈ રીતે તેઓએ ૧૦૦% કામગીરી પૂર્ણ કરી એ અંગેની વિગતો પણ જાણી હતી.
એટલું જ નહીં આ તમામ BLOsની કામગીરી નગરજનો સુધી પણ પહોંચે તે માટે કલેક્ટરશ્રીએ એક અનોખો માનવીય અભિગમ દાખવી શહેરના વિખ્યાત રણમલ તળાવ ખાતે તમામના ફોટોગ્રાફ સાથેની પોસ્ટર સ્ટેન્ડીઝ મુકાવી હતી. સાથે જ શહેરના સાત રસ્તા સર્કલ, ડી.કે.વી.કોલેજ સર્કલ તથા બેડી ગેટ પર પણ તમામ BLOsને વીડિયો ડિસ્પ્લે બોર્ડ પર પ્રદર્શિત કરીને તેઓને યથાયોગ્ય જાહેર સન્માન પૂરું પાડ્યું હતું.
જામનગરના BLOsએ પણ કલેક્ટરશ્રીની આ સંવેદનશીલ કામગીરીને બિરદાવી કલેક્ટરશ્રી કેતન ઠક્કર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આદર્શ બસેર તથા સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્રનો સહર્ષ આભાર વ્યક્ત કર્યો હતો અને આ સન્માનથી તેઓને જુસ્સો અને નવું બળ મળશે તેમ જણાવ્યું હતું જે આગામી કામગીરી માટે તેમને વધુ પ્રોત્સાહિત કરશે.
શ્રેષ્ઠ કામગીરી કરનાર સુપરવાઈઝર તથા BLOs
જામનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિભાગના સુપરવાઈઝર ભીખાભાઈ પીઠીયા, બી.એલ.ઓ.રોહિત બાંભવા, ગુલામમદોયુદીન પઠાણ, સંજયકુમાર કામાણી, સુપરવાઈઝર ડૉ.સુનિલ લોહિયા, જીતેન્દ્ર ચોવટીયા, ભાવિક ડી.પટેલ, સુપરવાઈઝર કેતન ધોળકિયા, રમેશભાઈ બાબરિયા, મયુરભાઈ ખાણધર, સુપરવાઈઝર ભાવિક મેઘાણી, બાદી ગુલામમહ્યુદીન, રામચંદ્ર લાખાણી, સુપરવાઈઝર સી.જે.સુરેજા, નિર્મળાબેન મહેતા, વારસંકિયા અજયભાઈને સન્માનિત કરાયાં હતા
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
