<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

પાટડી પાસે અજાણ્‍યા ટ્રેલર હડફેટે એરવાડાના ત્રણ બાઇકસ્‍વાર દેવીપુજક યુવાનના મોત

(ફઝલ ચોહાણ દ્વારા) વઢવાણ તા.૧૧: દસાડા તાલુકાના નાવિયાણી પાસે અજાણ્‍યા વાહનની અડફેટે ત્રણ સવારી બાઇકમાં જતા ત્રણ લોકોના ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્‍યા હતા. આ ગોઝારા અકસ્‍માતની ઘટનામાં ત્રણ મળતકો પાટડી તાલુકાના એરવાડા ગામના હોવાનું ખુલ્‍યું છે. જેમાં ઘટના સ્‍થળે દોડી ગયેલી દસાડા પોલીસે ત્રણેય મળતકોની લાશને પોસ્‍ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્‍પિટલ ખાતે મોકલી આપી અકસ્‍માતે મોત અંગેનો ગુન્‍હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સવાર ત્રણેય યુવકોને અજાણ્‍યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી ભાગી છૂટયા હતા. બાઇકને ફંગોળી અજાણ્‍યો વાહનચાલક ફરાર થયો હતો. અકસ્‍માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ ત્રણેય યુવકો રોડ પર પટકાયા અને તેમના શરીરના છુંદા નીકળી ગયા હતા. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્‍યા હતા.

બાઇકને ટ્રેલરે ટક્કર મારી! પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વી.જે. માલવિયા અનુસાર, પ્રાથમિક તપાસમાં બાઇકને ટ્રેલરે ટક્કર મારી હશે તેવું અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવ્‍યું છે. અજાણ્‍યા વાહનચાલકને શોધવા માટે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપી ડ્રાઈવર સુધી પહોંચવા માટે તપાસને વધુ વેગ આપી રહી છે.

નાવિયાણી પાસે આ અકસ્‍માતની ઘટનાના પગલે ટ્રાફીક જામના દ્રશ્‍યો સર્જાયા હતા. આ અંગે દસાડા પીઆઇ વી. જે. માલવિયાએ જણાવ્‍યું કે એક જ બાઇકમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્‍થળે જ મોત નીપજ્‍યા છે. જેમાં હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યા બાદ જ મળતકોના નામની ખબર પડી શકે. હાલ તો નાવિયાણી પાસે ગોઝારા અકસ્‍માતના ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્‍થળે એકઠા થઇ ગયા હતા. લોકોના કહેવા પ્રમાણે કોઇ અજાણ્‍યા ટ્રેલરે બાઇકને ટક્કર મારી હતી.

સ્‍થાનિકો અને હાઇવે પર ભેગા થયેલા લોકોએ પોલીસ અને ૧૦૮ને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્‍થળે પહોંચ્‍યો હતો. પોલીસે ત્રણેય યુવકોના મળતદેહને પાટડી સરકારી હોસ્‍પિટલ ખાતે મોકલી આપી અકસ્‍માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બે સગા ભાઇઓને આજે નોકરીનો પ્રથમ દિવસ હતો

મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના એરવાડા ગામનો સંજય ભાથીભાઈ ઠાકોર નામનો યુવક બેચરાજી કંપનીમાં કામ કરવા રોજ જતો હતો, જેણે પોતાના જ ગામના ટીનાભાઇ નરશીભાઈ દેવીપૂજક અને એના નાના ભાઈ મયુર નરશીભાઈ દેવીપૂજકને દિવસના ૪૦૦ રુપિયા લેખે નોકરી પર લગાડ્‍યા હતા. બંને ભાઇઓનો નોકરીનો આજે પ્રથમ દિવસ હતો. ત્રણેય મૃતકો ૨૫ વર્ષના છે.(૨.૮)

(11:34 AM IST)