<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

ભાવનગર એસટી વર્કશોપ દારૂકાંડમાં વધુ ચાર સહિત ૧૧ કર્મચારીઓ સસ્‍પેન્‍ડઃ તમામ ફરાર

 

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૧૧: ભાવનગર એસ.ટી. વિભાગના એક સિક્‍યુરીટી ગાર્ડ સહિત સાત ડ્રાઇવર - કંડક્‍ટરોના દારૂ કાંડમાં નામ ખુલવા પામતા એસ.ટી.ના વિભાગીય નિયામકે તાકીદે એક - હંગામી ડ્રાઈવરને ટર્મિનેટ કરાયો છે જ્‍યારે સાત કર્મચારીઓને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા હતા. તેમજ પોલીસની તપાસ દરમિયાન વધુ ચાર કર્મચારીઓના નામ વિભાગીય

નિયામકને ગુપ્ત રાહે જાણ થતાં વધુ ચાર કર્મચારીઓને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.  હાલ તમામ આરોપીઓ ફરાર છે.

ભાવનગર એસ.ટી. વર્કશોપમાં ગત સોમવારે  ડ્રાઇવરો તેમજ કંડક્‍ટરના સામાન રાખવાના રૂમ તેમજ બાથરૂમમાં નિલમબાગ પોલીસે દરોડા પાડતા સો થી વધુ નંગ વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો મળી આવતા એક સિક્‍યુરીટી ગાર્ડની ધરપકડ કરાઈ હતી. જેની કબુલાતથી વધુ સાત ડ્રાઇવર અને કંડક્‍ટરના નામ ખુલતા એસ.ટી.ના વિભાગીય નિયામકે એક હંગામી ડ્રાઇવરને ટર્મીનેટ. તેમજ સાત કર્મચારીને સસ્‍પેન્‍ડ કરી દિધા હતા. જ્‍યારે પોલીસ તપાસમાં વધુ ચાર કર્મચારીઓના નામ ગુપ્ત રાહે પોલીસે વિભાગીય નિયામકને આપતા ચારેય કર્મચારીઓને સસ્‍પેન્‍ડ કરી દેવાયા છે. જેમાં હેડ મિકેનિક નિકુલ કુવાડિયા, શિફટ ઇન્‍ચાર્જ હરદેવસિહ ગોહિલ, મનીષભાઈ તેમજ મિકેનિક હિરેન્‍દ્રસિંહને સસ્‍પેન્‍ડ કરાયા છે. જો કે, આરોપી કિશને પોલીસને વધુ દસથી પંદર કર્મચારીઓના નામ આપ્‍યા હોવાનું જાણવા મળેલ છે.

(11:18 AM IST)