News of Thursday, 11th December 2025
ભાવનગરના ત્રીપલ મર્ડર કેસના આરોપી વન વિભાગના અધિકારી શૈલેષ ખાંભલાએ નાર્કો ટેસ્ટની ના પાડી
પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા : હત્યાને અંજામ આપી પ્રેમિકા સાથે ફોરેન જવા પાસપોર્ટ કરાવી લીધા હતા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.,૧૧ : ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ત્રીપલ મર્ડર કેસના આરોપી વન વિભાગના અધિકારી શૈલેષ ખાંભલાને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી નાર્કો ટેસ્ટ ની માંગણી કરી હતી પરંતુ આરોપીએ નાર્કો ટેસ્ટની ના પાડી પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે પોલીસે આક્ષેપો તથ્ય વિહીન હોવાનું જણાયું હતું.
પત્ની અને સંતાનોની હત્યા કરનાર ભાવનગર વન વિભાગના સસ્પેન્ડેડ અધિકારી શૈલેષ ખાંભલાને પોલીસ કેસમાં પુરાવા મજબૂત કરવા નાર્કો ટેસ્ટની માંગ માટે આજે ભાવનગરની કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં શૈલેષ ખાંભલા એ મૌન તોડી પોતે નિર્દોષ છે તેમ જણાવી પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરી તેને માર મારવામાં આવ્યો હોય તેમ જણાવ્યું હતું તેમ જ પોલીસ એન્કાઉન્ટર કરશે એવો ભય દર્શાવ્યો હતો. જોકે શૈલેષ ખાંભલા એ નાર્કો ટેસ્ટ કરવાની ના પાડતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો.
દરમિયાન ભાવનગરના સીટી ડીવાયએસપી સિંધાલ એ આરોપી શૈલેષ ખાંભલાના આક્ષેપો તથ્ય વિનાના હોવાનું જણાવી પુરાવા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને પ્રિપ્લાનિંગથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જણાયું હતું. આરોપી શૈલેષ ખાંભલા એ તેની પ્રેમિકા સાથે નવું જીવન શરૂ કરવા ફોરેન જવા પાસપોર્ટ પણ કરાવી લીધો હોવાનું અને આરોપી સતત તેની પ્રેમિકાના સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું. આમ આ ચકચારી ત્રીપલ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. અને આરોપી અત્યારે અંજામ આપી પ્રેમિકા સાથે ફોરેન જવાનો હતો તેવું ખુલવા પામ્યું છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
