News of Thursday, 11th December 2025
‘ધુરંધર' ફિલ્મમાં બલોચ સમાજ વિશે નિમ્ન કક્ષાનો ડાયલોગ પ્રદર્શિત કરાતા સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધની આંધી : જબરો રોષ
ગુજરાત બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચ તથા જુનગાઢ બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ એજાઝ મકરાણી આકરા પાણીએ : રાજયભરમાં ગામે ગામ આવેદનપત્રો, કાયદાકીય અહિંસક લડતનું આહવાન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા. ૧૧ : તાજેતરમાં રિલીઝ થયેલી ‘‘ધુરંધર'' ફિલ્મમાં બ્લોચ સમાજ વિષે નિમ્ન કક્ષાનો ડાયલોગ પ્રદર્શિત કરાતા સમગ્ર ગુજરાતમાં બ્લોચ મકરાણી સમાજમાં ઉગ્ર વિરોધની આંધી વ્યાપી છે. સાર્વત્રિક જબરો રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચ (રિટાયર્ડ નાયબ મામલતદાર) તથા જુનાગઢ બ્લોચ મકરાણી સમાના પ્રમુખ એજાઝ મકરાણી (એડવોકેટ) આકરા પાણીએ છે અને રાજયભરમાં ગામે ગામ આવેદનપત્રો, કાયદાકીય અહિંસક લડતનું સમાજને આહવાન કર્યું છે.
‘ધુરંધર' ફિલ્મ સામે ગુજરાતમાં વિરોધની ચિનગારી ઉઠી છે. સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્ર-સોરઠનો બ્લોચ મકરાણી સમાજ આકરાપાણીએ છે. ફિલ્મ પર પ્રતિબંધની માંગ સાથે હાઇકોર્ટમાં જવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. તાજેતરમાં જ રીલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર' માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઇને બ્લોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મ અભિનેતા સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર સમાજે સખત વાંધો ઉઠાવ્યો છે.
જુનાગઢ બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમૉ ફિલ્મના અભિનેતા, ડોયલોગ રાઇટર અને ડિરેકટર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. સમાજનું કહેવું છે કે આ પ્રકારના નિમ્ન કક્ષાના ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઇ છે અને સમાજનું અપમાન થયું છે.
મકરાણી બ્લોચ સમાજના પ્રમુખ એજાજ મકરાણીએ જણાવ્યું હતું કે આ ટિપ્પણી સીધી રીતે બ્લોચ સમાજને નિશાન બનાવીને કરવામાં આવી છે અને તેનાથી સમાજની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યું છે. જેથી દશ દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો હાઇકોર્ટ જવાની ચીમકી ઉચ્ચારી છે. આ પ્રકરણના વિરોધના ભાગરૂપે, જુનાગઢ બ્લોચ સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે કે તેઓ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવશે. પ્રમુખ એજાજ મકરાણીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો પોલીસ અને વહીવટ તંત્ર દ્વારા આગામી દસ દિવસની અંદર આ મામલે યોગ્ય અને સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો બ્લોચ મકરાણી સમાજ સમગ્ર મામલાને લઇને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવશે અને ન્યાય માટે લડત આપશે. તેમનું માનવું છે કે જો આવા અભદ્ર વર્તન કરનારા કલાકારો, દિગદર્શકો અને સ્ક્રીપ્ટ રાઇટરોને રોકવામાં નહીં આવે, તો ભવિષ્યમાં અન્ય સમાજોની લાગણીઓ પણ દુભાવવાનું ચાલુ રહેશે. જેનાથી દેશભરમાં સામાજિક તંગદિલી ભર્યું વાતાવરણ ઉભું થઇ શકે છે.
ગુજરાતમાં આઠ લાખથી વધુ બ્લોચ વસવાટ કરે છે. બ્લોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલૂચિસ્તાનના મકરાણી પ્રદેશમાંથી ભારત આવ્યા છે અને આજે ભારતભરના અલગ અલગ વિસ્તારોમાં તેમની વસ્તી ઘણી છે. જુનાગઢ જિલ્લામાં આશરે રપ હજારથી વધુ અને સમગ્ર ગુજરાતમાં આઠ લાખથી વધુ બ્લોચ મકરાણીઓ વસે છે. ભારતભરમાં તેમની વસ્તી દોઢ કરોડથી પણ વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જુનાગઢ, ભાવનગર, કચ્છ, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં આ સમાજની મોટી વસ્તી વસવાટ કરે છે. આટલી મોટી વસ્તી ધરાવતા અને શાંતિપૂર્ણ રીતે વસતા સમાજનેી લાગણીને માત્ર કમાણી માટે દુભાવવામાં આવી હોવાથી સમગ્ર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એડવોકેટ એજાજ મકરાણીએ વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી એક ચોક્કસ સમાજને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે તે સખત રીતે વખોડવાલાયક છે. તેમણે વિનંતી કરી છે કે વહેલી તકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આવા સંવાદોને ફિલ્મમાંથી તાત્કાલીક દૂર કરવામાં આવે, અન્યથા સમાજ પોતાની માન-મર્યાદાના રક્ષણ માટે કોર્ટના તમામ પગલા ભરવા માટે તૈયાર છે.
દરમિયાન સૌરાષ્ટ્ર મકરાણી સમાજના વોટસએપ ગ્રુપમાં જાહેર કર્યા મુજબ CBFC Board helpdesk સાથે ‘‘ધુરંધર'' ફિલ્મ રીલીઝ બાબતે એડવોકેટ યાસીનખાન બ્લોચે વાંધા બાબતે ટેલિફોનક ચર્ચા કરી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન (CBFC) એ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં એક વૈધાનિક ફિલ્મ પ્રમાણપત્ર સંસ્થા છે. CBFC Administration officer Govind Mishra સાથે પણ ‘‘ધુરંધર'' ફિલ્મ રિલીઝ બાબતે એડવોકેટ યાસીનખાન બ્લોચે ચર્ચા કરી હતી.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
