તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 11th December 2025
વિમાના ૬૦ લાખ રૂપીયા મેળવવા માટે પુત્રએ પિતરાઇ ભાઇ સાથે મળી પિતાને મોતને ઘાટ ઉતારી દીધા
ઉપલેટાના રાજપરા ગામના કાનાભાઇ જોગની હત્યામાં પુત્ર રામદે તથા ભત્રીજા વિરમ જોગની ધરપકડ : ભત્રીજાએ : અકસ્માતમાં મોત થયાની સ્ટોરી ઘડી પોલીસને ઉંધે પાટે ચડાવી'તી પણ ભાયાવદર પોલીસે રહસ્યમય ઘટના ઉપરથી ભેદ ઉકેલ્યો : પિતાના નામે વિમો હોય અને તે મૃત્યુ પામે તો ૬૦ થી ૭૦ લાખ મળે તેમ હોય આરોપી રામદેએ ઇઝરાયેલ જવા માટે પિતરાઇ ભાઇ સાથે મળી પિતાની હત્યાનું કાવત્રુ રચ્યું : પિતાની હત્યા માટે પિતરાઇ ભાઇ વિરમને ૧ લાખ રૂપીયા આપવાના અને જીવે ત્યાં સુધી ભોજન આપવાની લાલચ આપી'તી

રાજકોટ, તા. ,૧૧: ઉપલેટા તાલુકાના રાજપરા ગામે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં કાનાભાઇ મેરૂભાઇ જોગ નામના ૫૦ વર્ષના પ્રોૈઢની હત્યા તેના પુત્ર અને ભત્રીજાએ કર્યાનું ખુલતા પોલીસે બંનેની ધરપકડ કરી છે. પુત્રને ઇઝરાયેલ જવુ હોય પિતાનું મોત થાય તો વિમાના ૬૦ થી ૭૦ લાખ રૂપીયા મળે તેમ હોય પિતરાઇ ભાઇ સાથે મળી પુત્રએ પિતાની હત્યાનું કાવત્રુ રચ્યાનું ઘટસ્ફોટ થયો છે.
મળતી વિગતો મુજબ રાજપર ગામના કાનાભાઇ મેરૂભાઇ જોગ (ઉ.વ.પ૦) ની લાશ બે દિવસ પહેલા તેમની વાડીએથી મળી હતી. ત્યારે કુટુંબી ભત્રીજા વિરમ જોગે કાકા કાનાભાઇ બાઇક લઇને ઢાંક તરફ જતાં હતાં ત્યારે પડી જતાં ઇજા થયાની સ્ટોરી ઘડી હતી. પરંતુ મૃતકના શરીર પર કોઇ છોલછાલના નિશાન ન હોઇ શંકા ઉપજી હતી. પોસ્ટમોર્ટમ થતાં આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું.
આ બનાવમાં ભાયાવદર પોલીસે શકમંદ મૃતકના ભત્રીજા વિરમની પુછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ ચોંકાવનારી કબુલાત આપી હતી. ભત્રીજા વિરમે મૃતકના પુત્ર સાથે મળી હત્યાનું કાવત્રુ રચ્યાનું અને આ બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યાનું બહાર આવ્યું હતું. પોલીસ પુછપરછમાં મુખ્ય આરોપી મૃતકના પુત્ર રામદેનું નામ ખુલ્યું હતું. આરોપી રામદેને નોકરી કરવા માટે ઇઝરાયેલ જવુ હોય અને તેના માટે ૧૬ લાખ રૂપીયા જેટલો ખર્ચ થતો હોય આજથી એકાદ વર્ષ પહેલા તેના પિતા કાનાભાઇના નામનો એચડીએફસીનો વિમો ઉતરાવેલ હોય આ વિમામાં તેના પિતાનું મૃત્યુ થયે પુત્રને ૬૦ થી ૭૦ લાખ રૂપીયા મળે તેમ હોય તેમજ આ વિમાની બીજુ પ્રિમીયમ ભરવાનો સમય પણ થઇ ગયો હોય મોટા બાપુના દિકરા વિરમ ભુપતભાઇને તેના પિતાનું મર્ડર કરવા જણાવેલ અને તેના બદલામાં વિરમને ૧ લાખ રૂપીયા આપવાનું અને તે જીવે ત્યાં સુધી ભોજન આપવાની આરોપી રામદેએ લાલચ આપી હતી.
આરોપી વિરમના પાંચેક વર્ષ પહેલા છુટાછેડા થયેલ હોય અને તે એકલો રહેતો હોય આ કામ કરવા માટે તે તૈયાર થઇ ગયેલ. ત્યાર બાદ ગઇ તા. ૮ ના રોજ આરોપી રામદેએ ઉંદર મારવાની દવા તથા ઇતરડી જેવી જીવાતો મારવાની દવા લઇને આપેલ હતી. તે દવા આરોપી વિરમે મૃતક કાનાભાઇને બપોરના સમયે તેમની વાડીએ લઇ જઇ ઠંડા પીણા સાથે પીવડાવેલ હતી. પરંતુ મૃતક કાનાભાઇએ ઉલ્ટી કરેલી અને તેનું મોત થયું ન હતું. ત્યાર બાદ આરોપી રામદેએ કુહાડી વડે તેના પિતાને મારી નાખવા માટે પિતરાઇ વિરમે જણાવેલ જેથી ગત તા. ૯ ના રોજ આરોપી વિરમ મરણ જનારને તેના ઘરેથી બાઇકમાં બેસાડી વાડીએ લઇ ગયેલ ત્યાં મૃતક કાનાભાઇને દારૂ પીવડાવી બાજુની ઓરડીમાં સુવડાવી દીધેલ અને નિંદ્રાધીન હાલતમાં જ તેના પર કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધેલ. ત્યાર બાદ આરોપી વિરમે રામદેના કહેવાથી વાહન અકસ્માતનો બનાવ બન્યો છે તેવી ખોટી હકિકત જણાવી પોલીસને ઉંધે પાટે ચડાવી હતી. રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ભાયાવદરના પીઆઇ વી.સી.પરમાર તથા સ્ટાફે અકસ્માતમાં ખપાવી દેવાયેલ આ હત્યાના બનાવનો ભેદ ઉકેલ્યો હતો. ભાયાવદર પોલીસે આ હત્યાના બનાવમાં પોલીસે મૃતક કાનાભાઇના પુત્ર રામદે તથા ભત્રીજા વિરમની ધરપકડ કરી વધુ પુછતાછ હાથ ધરી છે. (૪.૧૮)
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
