News of Thursday, 11th December 2025
ગીરમાં મંજૂરી વગર ધમધમતા ૧૦થી વધુ રિસોર્ટ અને ફાર્મહાઉસ સીલ
હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહીઃતાલાલા મામલતદારે વન વિભાગને સાથે રાખી કરેલી કાર્યવાહીમાં ૧૦થી વધુ ફાર્મ હાઉસને તાળાં મારી દીધા

જુનાગઢ, તા.૧૧
સમગ્ર એશિયામાં એકમાત્ર સૌરાષ્ટ્રમાં એશિયાટીક સિંહોનો વસવાટ છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં ગીર તરફ લોકોનો ઘસારો જોવા મળે છે. આ જ કારણે ત્યાં આડેધડ રિસોર્ટ,હોટલ ખડકાઈ ગયા છે. જેની નોંઘ ગત નવેમ્બર મહિનામાં ગુજરાત હાઈકોર્ટે પણ લીધી હતી અને ગેરકાયદે ફાર્મ હાઉસ અને રિસોર્ટ સામે કડક પગલાં લેવા આદેશ કર્યો હતો. જેના ભાગરૃપે મામલતદરે આજે ભોજદે ગીરમાં ૧૦થી વધુ ફાર્મ હાઉસને સીલ કરી દીધા છે.
ત્યારે આજે ગીર સોમનાથમાં ગીરના જંગલમાં આવેલા ફાર્મ હાઉસ અને રિસોર્ટ પર તંત્રએ તવાઈ બોલાવી છે. વન વિભાગની NOC વગર ભોજદે ગીરમાં ચાલતા ૧૦થી વધુ ફાર્મ હાઉસને સીલ કરી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટના આદેશને પગલે કલેક્ટરે સરવે હાથ ધર્યો હતો, જેમાં ફાર્મ હાઉસ અને રિસોર્ટ NOC વગર ધમધમતા હોવાનું ખૂલ્યું હતું. તાલાલા મામલતદારે વન વિભાગને સાથે રાખી કરેલી કાર્યવાહીમાં ૧૦થી વધુ ફાર્મ હાઉસને ખંભાતી તાળાં મારી દીધા છે.
મહત્વનું છે કે એશિયામાં માત્ર સૌરાષ્ટ્રમાં એશિયાટીક સિંહો વસેલા છે પરંતુ, સિંહદર્શનના નામે ગીર જંગલમાં અભ્યારણ્ય પાસે આડેધડ રિસોર્ટ, હોટલ, ફાર્મ હાઉસ બની ગયા છે બીજી તરફ સિંહોને તેમનું ગમતું, પ્રાકૃતિક રહેઠાણ વધવાને બદલે ઘટી રહ્યું હોય અને તેની વસ્તી વધતા તે જંગલ બહાર જવા મજબૂર બની રહ્યાની પ્રકૃતિપ્રેમીઓની ફરિયાદો અને રજૂઆતો થઈ રહી છે.
આ સ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ બાદ ધારી, સાવરકુંડલા, ખાંભા, જાફરાબાદ, રાજુલા અને બગસરા તાલુકાના ૧૨૪ ગામોમાં રીસોર્ટ્સ, હોટલ, ફાર્મ હાઉસ સહિતના અનધિકૃત બાંધકામોનો સર્વેનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગીરના સિંહોની સંખ્યા ૮૯૧ આસપાસ પહોંચી છે પરંતુ, તેમના પ્રાકૃતિક નિવાસ આડેધડ બાંધકામોથી ઘટી રહ્યા છે અને તેમાં વળી, સરકારે આ બાંધકામો નિયમબધ્ધ થઈ શકે તેવા એક પરિપત્રથી પ્રકૃતિપ્રેમીઓમાં નારાજગી પ્રસરી છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
