<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

આજે કચ્‍છના વાંઢિયા ગામે કિસાન સંમેલનઃ વીજ ટાવર, નર્મદા લિન્‍ક કેનાલ, કિસાન સહાય, ખાતર તંગી મુદ્દે લડતનો રણટંકાર

ખાવડા હળવદ સુધી જતી હાઇ પાવર વીજ લાઈન અને વીજ ટાવરની લડાઈ વિસ્‍તરી, હવે વિવિધ ૯ માંગણીઓ સાથે ભારતીય કિસાન સંઘ કચ્‍છ દ્વારા સરકાર સામે મોરચો, ૬૦૦ ગામોમાં જનજાગળતિ અભિયાન બાદ સંમેલનોનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૨ :.. કચ્‍છના ખાવડાથી સૌરાષ્‍ટ્રના હળવદ સુધી અદાણી કંપની દ્વારા ૭૫૦ મેગાવોટની વીજલાઈન અને વીજ ટાવરના મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલ આંદોલન હવે સરકાર સામેની લડતમાં વિસ્‍તરી ચૂકયું છે. ત્રણ મહિના થયા કચ્‍છના ભચાઉના વાંઢિયા ગામે અદાણી કંપની સામે વીજ ટાવરના મુદ્દે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલ લડત બાદ ભુજના લોડાઈ ગામે પણ આ જ મુદ્દે ઘર્ષણ થતાં હવે ખેડૂતોની આ લડત સમગ્ર કચ્‍છ જિલ્લામાં વ્‍યાપ્ત થઈ ગઈ છે.

આજે ભારતીય કિસાન સંઘે વાંઢિયા ગામે પોતાની ૯ જેટલી વિવિધ માંગણીઓ સાથે કિસાન સંમેલનનું આયોજન કર્યું છે. જોકે, ભચાઉમાં ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક ઘૂસી વીજ ટાવર ઉભા કરવાના વિરોધમાં ખેડૂતોએ સહ પરિવાર શરૂ કરેલ આંદોલન દરમ્‍યાન ધરપકડની પોલીસ કાર્યવાહી તેમ જ વારંવારની રજૂઆતો બાદ ભચાઉ પ્રાંત કે ભુજ કલેક્‍ટર કચેરી દ્વારા, શાસક પક્ષ ભાજપના આગેવાનો દ્વારા ખેડૂતોની માંગણીઓની રજૂઆતો અંગે કોઈ પણ કાર્યવાહી કરાઈ નહીં.

દરમ્‍યાન ભારતીય કિસાન સંઘ દ્વારા સતત ખેડૂતોની વેદના અને વ્‍યથાને વાચા આપવામાં આવી રહી છે. અગાઉ વાંઢિયામાં તંત્ર દ્વારા કિસાન મહા પંચાયતના આયોજનમાં વિક્ષેપ કરાયો હતો. જોકે, ત્‍યારબાદ ભારતીય કિસાન સંઘ દ્વારા વીજ ટાવરના વળતર ઉપરાંત ૯ માંગણીઓ સાથે સમગ્ર કચ્‍છ જિલ્લાના ૬૦૦ ગામોમાં કિસાન જન અધિકાર જન જાગળતિ અભિયાન ચલાવાયું. પરંતુ સરકાર દ્વારા કોઈ નિરાકરણ ન આવતા હવે કિસાન સંમેલનનું આયોજન વાંઢિયા ગામેથી શરૂ કરાયું છે.

શું છે સરકાર સમક્ષ કચ્‍છ જિલ્લા ભારતીય કિસાન સંઘની માંગણીઓ? ૯ માંગણીઓ પૈકી સૌથી અગત્‍યની માંગ ખેડૂતોની માલિકીની જમીન ઉપર હેવી વીજ લાઈન સાથે વીજ ટાવર નાખતા સમયે જંત્રીને બદલે બજાર કિંમત ચૂકવવા ખેડૂતોની માંગ છે. કારણકે ૭૫૦ મેગાવોટ ની હાઈ પાવર વીજલાઈન અને વીજ ટાવર થકી ખેતરના એટલા ભાગમા ભવિષ્‍યમાં ખેતી થઈ શકશે નહીં. આ મુદ્દે શરૂ થયેલ ઘર્ષણ હવે ખાનગી કંપની સામે થી સરકાર સામે અન્‍ય માંગણીઓમાં પરિવર્તિત થઈ ચૂકયું છે. કિસાન સંઘે નર્મદાના વધારાના એક મિલિયન એકર ફૂટ પાણી માટે લિન્‍ક કેનાલોનું કામ ઝડપભેર પૂર્ણ કરવાની માંગ કરી છે.

અતિવળષ્ટિમાં ખરીફ પાક અને બાગાયતી પાકના સંપૂર્ણ નુકસાન સામે કચ્‍છના ખેડૂતોને કિસાન સહાય યોજના અંતર્ગત વળતર ચૂકવવા, ખેતીવાડીના અમૂક વીજ ફીડરોમાં નિષ્‍ફળ ગયેલ સ્‍કાય યોજનાના અમલ માટેની કૌશલ કંપનીને બેન્‍ડ કરવા અને ખેડૂતોને થયેલ નુકસાનની ભરપાઈ કરી આપવા, રવિ પાક માટે ખાતરની તંગી ન સર્જાય એ માટે પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરના જથ્‍થાની વ્‍યવસ્‍થા કરવા, બચી ગયેલા ખરીફ પાકના જથ્‍થાને વહેલી તકે ટેકાના ભાવે ખરીદવા, પાક ધિરાણ માટે શૂન્‍ય ટકા (ઝીરો) વ્‍યાજની જાહેરાતનો ત્‍વરિત અમલ કરવા, પડતર જમીન ખેડૂતોના નામે કરવા, પ્રમોલગેશન અંગેની વાંધા અરજીઓ અને સુધારા વધારા અંગેની માંગણીઓનો અમલ કરવા સહિતની માંગણીઓ છે

(11:34 AM IST)