<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ઉપલેટાના રાજપરા ગામે વિમાના ૬૦ લાખ રૂપીયા માટે પિતાની હત્‍યા કરાવનાર પુત્ર અને ભત્રીજાના રીમાન્‍ડ મંગાયા

રાજકોટ, તા. ,૧૨: ઉપલેટા તાલુકાના રાજપરા ગામે  કાનાભાઇ મેરૂભાઇ જોગ નામના ૫૦ વર્ષના પ્રોૈઢની  હત્‍યામાં પકડાયેલ તેના પુત્ર અને ભત્રીજાને રીમાન્‍ડ પર લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ રાજપર ગામના કાનાભાઇ મેરૂભાઇ જોગ (ઉ.વ.પ૦)હત્‍યાના બનાવમાં  ભાયાવદર પોલીસે શકમંદ મૃતકના ભત્રીજા વિરમની પુછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ ચોંકાવનારી કબુલાત આપી હતી. ભત્રીજા વિરમે મૃતકના પુત્ર સાથે મળી હત્‍યાનું કાવત્રુ રચ્‍યાનું અને આ બનાવને અકસ્‍માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યાનું બહાર આવ્‍યું હતું.

પોલીસ પુછપરછમાં મુખ્‍ય આરોપી મૃતકના પુત્ર રામદેનું નામ ખુલ્‍યું હતું. આરોપી રામદેને નોકરી કરવા માટે ઇઝરાયેલ જવુ હોય અને તેના માટે ૧૬ લાખ રૂપીયા જેટલો ખર્ચ થતો હોય આજથી એકાદ વર્ષ પહેલા તેના પિતા કાનાભાઇના નામનો એચડીએફસીનો વિમો ઉતરાવેલ હોય આ વિમામાં તેના પિતાનું મૃત્‍યુ થયે પુત્રને ૬૦ થી ૭૦ લાખ રૂપીયા મળે તેમ હોય તેમજ આ વિમાની બીજુ પ્રિમીયમ ભરવાનો સમય પણ થઇ ગયો હોય મોટા બાપુના દિકરા વિરમ ભુપતભાઇને તેના પિતાનું મર્ડર કરવા જણાવેલ અને તેના બદલામાં વિરમને ૧ લાખ રૂપીયા આપવાનું અને તે જીવે ત્‍યાં સુધી ભોજન આપવાની આરોપી રામદેએ લાલચ આપી હતી.

આરોપી વિરમના પાંચેક વર્ષ પહેલા છુટાછેડા થયેલ હોય અને તે એકલો રહેતો હોય આ કામ કરવા માટે તે તૈયાર થઇ ગયેલ. ત્‍યાર બાદ ગઇ તા. ૮ ના રોજ આરોપી રામદેએ ઉંદર મારવાની દવા તથા ઇતરડી જેવી જીવાતો મારવાની દવા લઇને આપેલ હતી. તે દવા આરોપી વિરમે મૃતક કાનાભાઇને બપોરના સમયે તેમની વાડીએ લઇ જઇ ઠંડા પીણા સાથે પીવડાવેલ હતી. પરંતુ મૃતક કાનાભાઇએ ઉલ્‍ટી કરેલી અને તેનું મોત થયું ન હતું. ત્‍યાર બાદ આરોપી રામદેએ કુહાડી વડે તેના પિતાને મારી નાખવા માટે પિતરાઇ વિરમે જણાવેલ જેથી ગત તા. ૯ ના રોજ આરોપી વિરમ મરણ જનારને તેના ઘરેથી બાઇકમાં બેસાડી વાડીએ લઇ ગયેલ ત્‍યાં મૃતક કાનાભાઇને દારૂ પીવડાવી બાજુની ઓરડીમાં સુવડાવી દીધેલ અને નિંદ્રાધીન હાલતમાં જ તેના પર કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધેલ. ત્‍યાર બાદ આરોપી વિરમે રામદેના કહેવાથી વાહન અકસ્‍માતનો બનાવ બન્‍યો છે તેવી ખોટી હકિકત જણાવી પોલીસને ઉંધે પાટે ચડાવી હતી.

પકડાયેલ  રામદે અને   ભત્રીજા  વિરમને આજે રિમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાનાર છે. વધુ તપાસ ધોરાજી તાલુકાના પીઆઇ ગોસાઇ ચલાવી રહયા છે. 

(1:20 PM IST)