<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસકર્મી નયના બારૈયા પાસેથી સીમકાર્ડ મળ્યું :જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ઝડતી

નયના બારૈયા અગાઉ એટ્રોસિટી એક્ટના આરોપીને આશરો આપવાના કેસમાં જેલવાસ ભોગવી રહી છે હવે સિમકાર્ડ મળતા તેના વિરુદ્ધ વધારાનો ગુનો નોંધાયો

ભાવનગરમાં બે મહિલા કોન્સ્ટેબલે એક આરોપીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. આ ઉપરાંત તેમના ઘરમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જેથી બંને મહિલા કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ એક મહિલા કર્મી ઝડપાઈ હતી અને ફરાર થયેલી કર્મચારી નયના બારૈયાને પણ ઝડપી પાડવામાં આવી હતી. ત્યાર બાદ તેને જેલ હવાલે કરાઈ હતી. હવે તેની સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.

ભાવનગર શહેરની સસ્પેન્ડેડ મહિલા પોલીસકર્મી નયના બારૈયા સામે વધુ એક ગુન્હો નોંધાયો છે. ભાવનગર જિલ્લા જેલમાં કરવામાં આવેલી સરપ્રાઇઝ ઝડતી દરમ્યાન મહિલાના બેરક માંથી નયના બારૈયા પાસે પ્રતિબંધિત સિમકાર્ડ મળી આવ્યું છે. જેલમાં પ્રતિબંધિત વસ્તુ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. નયના બારૈયા અગાઉ એટ્રોસિટી એક્ટના આરોપીને આશરો આપવાના કેસમાં જેલવાસ ભોગવી રહી હતી. હવે સિમકાર્ડ મળવાના બનાવને પગલે તેના વિરુદ્ધ વધારાનો ગુનો નોંધાયો છે. જિલ્લા જેલ તંત્ર એ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. તેની સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથક અને AHTU પોલીસમાં ફરજ બજાવતી 2 મહિલા કોન્સ્ટેબલ અને એક યુવાન સામે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. તેમની સામે પોતાના જ પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. થોડા સમય પહેલા વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલ એટ્રોસીટી ગુન્હાના આરોપીને આ મહિલા કોન્સ્ટેબલે પોતાના જ ઘરમાં આશરો આપ્યો હતો. AHTU અને પેરોલ ફર્લોની ટીમને મળેલી બાતમીના આધારે મહિલા કોન્સ્ટેબલના ઘરે ચેકીંગ કરવામાં આવતા એટ્રોસીટીનો આરોપી મળી આવ્યો હતો. પોલીસને ચેકિંગ દરમિયાન મહિલા કોન્સ્ટેબલના ઘરમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી હતી

(10:57 PM IST)