News of Saturday, 13th December 2025
તળાજામાં ચાર સિંહ વચ્ચે ઇનફાઈટમાં લંગડા અને ભૂરાની જીતઃ ઘાયલ સિંહ સારવારમાં
ટેરેટરીની લડાઈમા ઘવાયેલા સિંહને શોધવા ઠંડીમા પરસેવો લાવી દે તેવું ૩૬ કલાક રેસ્કયુ ચાલ્યું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૩: તળાજા પંથકમાં સાવજ અને દીપડાની વધતી વસતી સાથે વિચરણ પણ વધવા લાગ્યું છે. ત્રાપજ ગામની એક વાડીમા પ્રથમ વખત આજે ખેડૂતે દીપડાને પોતાની વાડીમાંથી પસાર થતો જોયો. બીજી તરફ અહીં બે બેના જૂથ સાથે વિચરણ કરતા નર સિંહ વચ્ચે વિસ્તાર પર હક્ક જમાવવા માટે ખુંખાર જંગ ખેલાયો હતો. જેમાં લંગડા અને ભૂરાનો વિજય થયો હતો. જેમાં એક સિંહને વધુ ઇજાઓ હોવાનું માલુમ પડતા ૩૬ કલાકની મહેનત રંગ લાવી હતીને સિંહનું રેસ્કયુ કરીને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.
તળાજા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજુ ઝીંઝુવાડિયા એ જણાવ્યું હતુ કે હાલ તળાજા વિસ્તારમાં મા બે સિંહણ, અને ચાર સિંહ વિચરણ કરે છે. બંને સિંહણ સાથે છે. તો બે બે સિંહની જોડી છે. એક જોડીના સિંહ ને ભૂરો અને લંગડો તરીકે ઓળખવામાં આવે છે. બીજા બે ને પાઠડા તરીકે નર સિંહ વચ્ચે વિસ્તાર અને સિંહણ પર હક્ક જમાવવાના મામલે લડાઈ થતી હોય છે. આ લડાઈ ખુંખાર હોય છે. કયારેક સિંહનું મોત પણ થતું હોય છે. આ લડાઈનું હવે તળાજા પણ સાક્ષી બન્યું છે. ભૂરો અને લંગડાની જોડી સાથે બંને પાઠડાની લડાઈ થઈ હતી. જેમાં ભૂરા અને લંગડાની જીત થઈ હતી. બે પૈકીનો એક પાઠડાને માથાના ભાગે ગંભીર ઇજાઓના વાવડના પગલે તેને શોધીને સારવાર માટે લઈ જવો જરૂરી હતો. આથી ફોરેસ્ટ ટીમના મહિલા કર્મી મમતાબેન ચૌહાણ, નિર્મળસિંહ ગોહિલ, શૈલેષભાઇ વાઘેલા, પંકજસિંહ સરવૈયા, અશોકસિંહ ગોહિલ, દશરથસિંહ સરવૈયા, ઇન્દુભા ગોહિલ, કૈલાસભાઈ ચૌહાણ એ સતત ૩૬ કલાક આ ઠંડીમા મહેનત કરીને સિંહને સખવદર નજીકથી શોધી ડો.જે.પી.દેસાઈની મદદથી પાંજરે પુરીને સારવાર માટે લઈ જવામાં આવેલ.
ઝીંઝુવાડિયા એ લંગડા સિંહ વિશે જણાવ્યું હતુ કે તેને પગમાં ફ્રેક્ચર છે. તેની પણ સારવાર થયેલ છે. પરંતુ તે લંગડો ચાલતો હોવાથી તેંનું નામ લંગડો રાખવામાં આવેલ છે. તે ઇનફાઈટ મા જીતી ગયો હતો.
ત્રાપજમા પ્રથમ વખત દીપડો દેખાયો
તળાજા પંથકમાં અનેક દીપડા છે. આ દીપડાઓ અલંગ મણાર અને ખાસ કરીને દરિયાઈ પટ્ટીના જ્યાં સાવજ ન હોય ત્યાં અથવા શેત્રુંજી તળાજી નદી કાંઠા વિસ્તારની વાડીઓમાં વસી રહ્યા છે. ત્રાપજ ગામે કદી દેખાયા નથી. આજે પ્રથમ વખત ત્રાપજના ખેડૂત રણજીતસિંહ ગોહિલની વાડીમા સવારે ૭.૩૦ કલાક આસપાસ અહીં શ્રમિક ને દીપડો જોવા મળ્યો હતો. આમ હવે ત્રાપજ ના સીમાડે દીપડો પહોંચી જતા ખેડૂતોએ અને પશુપાલકો એ સાવધાની વર્તવી રહી.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
