News of Saturday, 13th December 2025
ભંગાર બજારમાંથી મળ્યો મનપાનો વાલ્વ, વોટર વર્કસ પાસે માંગી સ્પષ્ટતા
હાલ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છેઃઆ મામલે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર વર્ક્સ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે

જૂનાગઢ ,તા.૧૩
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. આવામાં જુનાગઢ મનપાનો વાલ્વ ભંગાર બજારમાંથી મળી આવતા મનપાનો ભંગાર બારોબાર સગેવગે કરવામાં આવતો હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. જે કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ વાલ્વ ફાર્મસી ફાટક પાસે ભંગારના ડેલામાંથી મળી આવ્યો છે. આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર વર્ક્સ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ મહાનગરપાલિકાના ટીંબાવાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. આવામાં વાલ્વ ભંગારના ડેલામાંથી મળી આવતા ભંગાર કૌભાંડનું પોત પ્રકાશ્યું છે. કોન્ટ્રાક્ટરના મજૂરો આ ભંગારનો માલ વેચતા CCTVમાં ઝડપાયા છે. આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકાએ વોટર વર્કસ પાસે સ્પષ્ટતા માગી છે. આ ભંગારનો ડેલો ફાર્મસી ફાટક પાસે આવેલો છે.જૂનાગઢ મનપા દ્વારા ભંગારના ડેલામાંથી વાલ્વને કબ્જે લેવામાં આવ્યો છે. આ સાથે શંકાસ્પદ મંજૂરોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જો આ મામલે સઘન તપાસ કરવામાં આવે તો મોટાપાયે ભંગારનું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે. જૂનાગઢ મહાનગરપાલિકા વોટર વર્કસના ખુલાસાની રાહ જોઈ રહ્યું છે. આ ખુલાસો આપ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
