<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ચોટીલા પંથકના વીસ વર્ષના સાગર અને બાજુના ગામની સગીરાએ જંગલ વિસ્‍તારમાં સજોડે ઝેર પીધું

ખેરાણાનો યુવાન એક વર્ષ પહેલા બાજુના ગામમાં ગરબી જોવા ગયો ત્‍યારે સગીરા સાથે ઓળખાણ થયા બાદ પ્રેમ થયો હતોઃ પરિવારજનો લગ્ન નહિ કરવા દે તેવું લાગતાં પગલુ ભર્યુ : ઝેર પી સાગરે કાકાને ફોન કરતાં કાકા સહિતના પહોંચી ગયાઃ બંનેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા

 

 

રાજકોટ તા. ૧૫: ચોટીલા પંથકના બે અલગ અલગ ગામમાં રહેતાં યુવાન અને સગીરા વચ્‍ચે પ્રેમ થઇ જતાં બંનેને પરિવારજનો એક નહિ થવા દે તેવો ડર લાગતાં મધરાતે યુવાને સગીરાના ગામમાં કાર સાથે પહોંચી તેને સાથે લઇ નીકળી જઇ બાદમાં બંનેએ ચોટીલાના ખેરાણાથી પાંચવડા તરફના રોડ પર જંગલ વિસ્‍તારમાં સજોડે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ પગલુ ભર્યા બાદ યુવાને પોતાના કાકાને ફોન કરતાં ઘટનાની જાણ થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ચોટીલાના ખેરાણા ગામે રહેતાં સાગર લક્ષમણભાઇ મેટાડીયા (ઉ.વ.૨૦) નામના યુવાન અને નજીકના ગામની ૧૭ વર્ષની સગીરાએ વહેલી સવારે ચારેક વાગ્‍યે ચોટીલાના ખેરાણાથી પાંચવડા તરફના રસ્‍તે જંગલ વિસ્‍તારમાં સજોડે ઝેરી દવા, ઝેરી પાવડર પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં બંનેને પ્રથમ ચોટીલા અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, રવિભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહ સહિતે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન સાગર ત્રણ બહેન અને બે ભાઇમાં નાનો છે અને છુટક ડ્રાઇવીંગ કરે છે. તેના પિતા ખેત મજૂરી કરે છે. જ્‍યારે સત્તર વર્ષની સગીરા  બે બહેન અને એક ભાઇમાં નાની છે અને તેના પિતા ખેતી કરી છે. સગીરાએ જણાવ્‍યું હતું કે એક વર્ષ પહેલા સાગર અમારા ગામમાં ગરબી જોવા આવ્‍યો ત્‍યારે અમારી વચ્‍ચે ઓળખાણ થઇ હતી. એ પછી અમે એક બીજાના પ્રેમમાં પડયા હતાં. હાલમાં અમારે લગ્ન કરવા હોઇ પરંતુ અમારા પરિવારજનો આ માટે માનશે નહિ તેવું લાગતાં અમે મરી જવાનું નક્કી કર્યુ હતું. મધરાતે સાગર કાર લઇને અમારા ગામમાં આવ્‍યો હતો. એ પછી અમે બંને ખેરાણાથી પાંચવડા તરફના રસ્‍તે જંગલ વિસ્‍તારમાં ગયા હતાં અને નક્કી કર્યા મુજબ બંનેએ સાથે જ ઝેરી દવા, પાવડર પી લીધા હતાં.

સાગરે જણાવ્‍યું હતું કે અમારી વચ્‍ચે પ્રેમ હતો, જો કે અમે આ બાબતે અમારા પરિવારજનોને કોઇ જાણ કરી નહોતી. પરંતુ અમને એમ થયું હતું કે અમારા લગ્ન થઇ શકશે નહિ. આથી અમે આ પગલુ ભર્યુ હતું. સાગરે જણાવ્‍યું હતું કે ઝેરી દવા પી લીધા બાદ તેણે કાકા વીભાભાઇને ફોનથી જાણ કરતાં કાકા સહિતના પરિવારજનો પહોંચી ગયા હતાં અને સારવાર માટે ખસેડયા હતાં. ચોટીલા પોલીસે બંનેના નિવેદન નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૬)

(11:17 AM IST)